રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો પણ ગગડ્યો હતો. જો કે હવે ગુજરાતવાસીઓને ઠંડીમાંથી આંશિક રાહત મળશે. કારણકે હવામાન વિભાગે ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાશે. બે દિવસ દરમિયાન તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. તો રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ શકે છે.
રાજ્યભરમાં ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે આજે 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ નોંધાયુ છે. ગઈકાલે નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો રાજ્યના અન્ય શહેરો-જિલ્લામાં પણ ઠંડી ઘટી છે. ભૂજમાં 10 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14, કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. 24 કલાક બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડાની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. તથા આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. ઉત્તરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતુ. રાજ્યમાં પ્રતિ કલાકે 18 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઇ રહ્યો છે. તો સાથે જ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઠંડા પવનોને કારણે નોકરિયાત વર્ગ સિવાય રસ્તા ઉપર અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને નાના બાળકો સાથે લોકોએ ખુલ્લામાં જવાનું ટાળ્યું હતું. તો ગ્રામિણ વિસ્તારોમાં તો સમી સાંજથી ઠંડક વળી જતા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું અને તાપણાં કર્યા હતા. ખાસ કરીને જયાં નદી વિસ્તાર કે જંગલ વિસ્તાર નજીક હોય તેવા જિલ્લાઓ જેમ કે દાહોદ, પંચમહાલ, નર્મદા , ધારી, તાલાળા, વલસાડ, અમલસાડ જેવા ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં અતિશય ઠંડીનો અનુભવ થયો હતો. જોકે હવામાન વિભાગે આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે.