ગુજરાતમાં વધુ એક વાર પેપર લીકની ઘટના બની છે. રાજ્યભરમાં 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ત્યારે છેલ્લા સમયે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર વારંવાર થતા પેપર લીકના મામલે હવે કડક કાયદો લાવી શકે છે. આ સમગ્ર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.
રાજ્ય સરકારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. જેમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS સાથે મળીને તપાસ કરશે. તો મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ બાબતે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે. બીજી તરફ આ સમગ્ર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. પેપર લીકની વારંવાર બનેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર કડક કાયદો લાવી શકે છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં કડક કાયદો લાવી શકે છે.
તો જુનિયર ક્લાર્ક પેપર લીકમાં મોટી માહિતી સામે આવી છે. અટકાયત કરાયેલા બંન્ને શખ્સો વડોદરાની હોટલ અપ્સરામાં રોકાયા હતા. પરીક્ષા અગાઉ મોડી રાત્રે સયાજીગંજની હોટલ અપ્સરામાં બંન્ને શખ્સો ગયા હતા. ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી હતી. બન્ને શખ્સો રૂપિયા 12થી 15 લાખમાં પેપર આપવાના હતા. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી શકે છે.
તો બીજીતરફ સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે.. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે.
મહત્વનું છે કે સવારે 11થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. 9.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે. 7 હજાર 500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.
Published On - 1:08 pm, Sun, 29 January 23