આજે ભૂપેન્દ્ર પટેલ સૌથી ઓછા મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ગઈકાલ રાત્રે જ પહોંચી ગયા હતા. શપથવિધિ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. શપથ લેનારા મંત્રીઓને ગઈકાલે ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.
ગુજરાતની રાજનિતીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આ વખતે રિપીટ અને નો રિપીટ થિયરી ભાજપે અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી.
આ વખતે અનેક મોટા માથાની બાદબાકી કરવામાં આવી છે. જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનિષા વકીલ, નિમિષા સુથાર, શંભુપ્રસાદ, જીતુ ચૌધરી, વિનુ મોરડિયા, કિરિટસિંહ રાણા, રમણ વોરા, અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે.
Published On - 10:48 am, Mon, 12 December 22