આજે GPSSB દ્વારા જુનિયર કલાર્ક પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનારી હતી. જો કે પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે 7,500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો, છતા પેપર ફુટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. જેમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓનુ 200 કિમી દુર પરીક્ષા કેન્દ્ર આવ્યુ હતુ. આથી અગાઉના દિવસે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કાંડમાં ATSએ 16થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. ATSએ ખુલાસો કર્યો છે કે પેપરકાંડમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય છે.
જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના તમામ 16 આરોપીઓને ATS દ્વારા અમદાવાદ લવાયા છે. તમામ આરોપીઓને સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જ્યા તેમની મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાનો મુખ્ય આરોપી કેતન બારોટ ગુનાહિત ઈતિહાસ ધરાવેછે. તે બોગસ એડમિશન કેસમાં તિહાડ જેલમાં સજા કાપી ચુક્યો છે. આરોપી કેતન બારોટ મોંઘીદાટ કારનો શોખીન છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાનુ પેપર લીક થતા ગુજરાત ATSએ ફરિયાદ નોંધીછે. અત્યાર સુધીમાં આ કાંડમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 11 આરોપીઓ સામેલ છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ. 100 દિવસની અંદર ફરીવાર લેવાશે પરીક્ષા. બેઠક બાદ પંચાયત વિભાગે કરી જાહેરાત. કડક કાર્યવાહીનું આપ્યું આશ્વાસન.
જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં સુરત કનેક્શન પણ સામે આવ્યુ છે. વડોદરામાંથી પકડાયેલા બંને આરોપીઓ પૈકી એક સુરતનો રહેવાસી છે. આરોપી નરેશ મોહંતી સુરતના ઈચ્છાપોર ગામમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહે છે. નરેશ મોહંતી નામનો આરોપી છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહોંતો આવ્યો. આરોપી નરેશ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરે છે.
પાટણના નવસર્જન ચાર રસ્તા પાસે પેપર લીકના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો અને રાજ્ય સરકાર તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ છાશવારે બનતી પેપર લીકની ઘટનાને વખોડી. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કૌભાંડીઓને કડક સજા આપવાની માગ કરી.
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. કેતન વૈભવી કારોનો શોખીન હતો. અગાઉ બોગસ એડમિશન મામલે તેને જેલ થઇ ચૂકી છે. તે તિહાડ જેલમાં પણ સજા ભોગવી ચૂક્યો છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે તે બિઝનેસ ચલાવે છે. બાયડ અને અમદાવાદ ખાતે તે 6 સંપત્તિ ધરાવે છે. તો ગુજરાત એટીએસ કેતન બારોટની પૂછપરછ કરી રહી છે.
#Gujarat Junior Clerk exam paper leak : Ketan Barot is a history-sheeter, He was also arrested in Bogus admission case . #juniorclerkexam pic.twitter.com/vFrrk6F5Ek
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
જુનિયર ક્લાર્કનું પેપર હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી હતી. જે બાદ ATSના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર તથા કેતન બારોટ સહિત 15ની અટકાયત કરી છે. 15 પૈકી 10 આરોપીઓ ગુજરાતના છે જ્યારે કે 5 આરોપીઓ અન્ય રાજ્યોના છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક મૂળ ઓડિશાનો છે. જ્યારે કે કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો છે. કેતન બારોટ મૂળ બાયડનો છે પણ અમદાવાદમાં રહે છે. બીજી તરફ વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.
પેપરલીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. જ્યારે કે પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજું ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે.
જુનિયર ક્લાર્કનું પેપરલીક થયાનો વિરોધ ગુજરાતમાં ઠેર ઠેર થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં NSUIએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા NSUIના ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી. NSUIના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
#Juniorclerk exams will be held within 100 days. 15 accused nabbed so far: GPSSB chairman Sandeep Kumar #paperleak #Gujarat #TV9News pic.twitter.com/w51H3WARMh
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIએ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કર્યું. NSUIના કાર્યકરોએ રસ્તો રોકીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરોએ CM ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી.
NSUI creates ruckus, sits amid road to stage protest against the #Juniorclerk #paperleak#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/K5YVw2cgxF
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
જુનિયર કલાર્કની પરીક્ષા રદ થવાને લઈ ઉમેદવારોમાં ભારે આક્રોશ છે ત્યારે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે આશ્વાસન આપ્યુ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી. ગમે ત્યારે નવેસરથી પરીક્ષા લેવાઈ શકે છે તેથી ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી જોઈએ.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ, 9.53 લાખ પરીક્ષાર્થીઓના ભાવી સાથે ચેડાં બાદ પણ તંત્ર મૌન જોવા મળી રહ્યું છે. મીડિયાના સવાલોના પંચાયત સેવા પસંદગી મંડળ અધ્યક્ષે ન આપ્યા જવાબ. તો બીજી તરફ પરીક્ષાની તારીખ અંગે પણ તેઓએ મૌન સેવ્યુ.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા રોષે ભરાયેલી એક મહિલાએ ST બસનો કાચ તોડ્યો છે. ખંભાતથી લુણાવાડાના રૂટની ST બસનો પાછળનો કાચ તોડવામાં આવ્યો. આ કાચ તોડનાર મહિલા પરીક્ષાર્થી હતી કે અન્ય કોઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાચ તૂટતા બસનો રૂટ કેન્સલ કરીને બીજી બસ મુકવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રહેતા વિદ્યાર્થીઓના પરત જવાની વ્યવસ્થા પણ ST તંત્રએ કરી હતી.
પેપર લીક થવાની ઘટના બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. રાજ્યમાં ઠેર-ઠેર ઉમેદવારોએ વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા, દાહોદ. અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ પ્રદર્શન કર્યુ હતું. બનાસકાંઠાના દિયોદર ડેપો પર ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો દાહોદમાં એસટી વિભાગના અધિકારીઓ સાથે ઉમેદવારોની રકઝક પણ થઇ હતી. તો અરવલ્લીમાં શામળાજીમાં પણ એસટી બસના કંડક્ટર અને પરીક્ષાર્થીઓ વચ્ચે રકઝક થઇ હતી. બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ કડક કાર્યવાહી કરવા ઉમેદવારોએ માગ કરી હતી.
તો બીજી તરફ પરીક્ષા રદ થવાના કારણે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. સ્ટેટ આઈબી તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદેશો કરાયા છે. કાયદો અને વ્યવસ્થા એડીજીપી નરસિંહમાં કોમર દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને આદેશ કરવામાં આવ્યા. તો સ્થાનિક સ્તરે પણ પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કરાયો.આથી બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો ઉપર અને પરિવહન સ્થળો ઉપર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુઘી પહોંચે તે પહેલા પેપર રદના સમાચાર મળતા પરીક્ષાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા. પરીક્ષાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરી પહોચ્યા.મહીસાગરમાં પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા કરી કલેકટરને આવેદન આપવા માગ. તો બીજી તરફ પોલીસ દ્વારા કલેકટર કચેરી ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મોટી સંખ્યામા વિધાર્થીઓ દ્વારા સૂત્રોચાર કરી રેલી યોજી કલેકટર કચેરી પહોંચ્યા હતા. કલેકટર કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પેપર લીક મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિમ્મતસિંહ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ફુલપ્રુફ સીસ્ટમની વાત કરે એ ક્યાંય દેખાતી નથી. ગુજરાતમાં આખી સરકાર બદલાય અને કોણ મુખ્યમંત્રી બને તેની કોઇને ખબર નથી પડતી. પેપરલીક થવું સરકારની ઘોર બેદરકારી. સરકાર ચોકસાઈના વાયદા કરે છે પણ ગેરવહિવટ અને ભ્રષ્ટાચારે માજા મુકી છે. અત્યાર સુધી 23 પરીક્ષામાં ગેરરીતી થઈ અને 13 પેપર લીક થયા. આટલા બનાવો છતાં સરકાર પેપર લીકના મુળમાં નથી પહોંચતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. પરીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ કોલ લેટર સળગાવી વિરોધ કર્યો હતો. પેપરલીક કરનાર સામે ઉમેદવારોએ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભાવનગર, મહુવા, પાલીતાણા, બોટાદ અને અમરેલી જેવા શહેરોમાંથી વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવ્યા હતા.
જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. ATSની એક ટીમે ઓડિશામાં ધામા નાખ્યા છે. કારણ કે મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓડિશાનો રહેવાસી છે. ATSએ પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની વડોદરામાંથી ધરપકડ કરી છે.. તેમની સાથે અન્ય આરોપી કેતન બારોટ અને શેખર નામના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ATSએ આરોપી વડોદરામાં ભાસ્કર ચૌધરીના અટલાદરા રોડ પર આવેલા ક્લાસિસમાં પણ તપાસ હાથ ધરી છે. ક્લાસિસમાંથી રબર સ્ટેમ્પ, આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા છે.. ભાસ્કર મૂળ ઝારખંડનો રહેવાસી છે. અને વડોદરામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ ચલાવે છે. વર્ષ 2019માં પણ CBIએ તેની ધરપકડ કરી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે જાહેરાત કરી કે એસ ટી બસમાં ભાડુ વસુલવામાં નહી આવે. પરંતુ અરવલ્લીમાં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી. ઉમેદવારો પાસે ST બસમાં ભાડૂ વસૂલાતા રોષ જોવા મળ્યો. તો ઉમેદવારોએ મોડાસા ડેપો મેનેજરને ભાડૂ પરત કરવા માગ કરી.
જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે જાણીતા લેખક જય વસાવડાનું નિવેદન સામે આવ્યું. જય વસાવડાએ કહ્યું કે પેપર નહીં વારંવાર કેટલાક માણસો ફૂટી જાય છે. જો બસ ચલાવનારા ડ્રાઈવરની નોકરી માટે કોઈ ભ્રષ્ટાચાર આચરીને પસંદ થઈ જશે. તો પણ તેને બસ હંકારતા નહીં આવડે. જય વસાવડાએ સમાજ, પરીક્ષાર્થી અને વાલીઓને ટકોર કરતા કહ્યું કે બાળકોને પ્રામાણિક બનાવવાની ઈચ્છા ન રાખવી તે અત્યંત દુઃખદ છે.
વડોદરામાં જુનિયર ક્લાર્ક પેપર લીકમાં મોટો ખુલાસો થયો છે. સયાજીગંજની હોટલ અપ્સરામાંથી ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી છે. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. બન્ને શખ્સો 12થી 15 લાખમાં આપવાના હતા પેપર.
ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થતાં ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં પરીક્ષા આપવા પહોંચેલા લાખો પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ્દ થવાથી હતાશ થયા. અમદાવાદ અને મહેસાણા સહિતના શહેરોના એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા. રોષે ભરાયેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવી સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. ઉમેદવારોના હોબાળાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ પોલીસ વિદ્યાર્થીઓને શાંત પાડી તેમને સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળી.
ગુજરાત ભાજપના યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે પેપરલીકના આરોપીઓને કડક સજા કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યુ કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને છોડાશે નહીં. તેમની પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સરકારમાં રજૂઆત કરશે.
GPSSB દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે તપાસ તેજ કરી છે. પ્રદીપ નાયક અને નરેશ મોહંતી પેપર લીકમાં મુખ્ય સુત્રધાર છે. ત્યારે Tv9 ની ટીમ એ હોટેલમાં પહોંચી હતી,જ્યાં પેપર લીકના મુખ્ય સુત્રધારો રોકાયા હતા
Watch: Visuals of the hotel where Pradeep Nayak & Naresh Mohanti were staying. Both are alleged to be involved in #Juniorclerk #paperleak #Vadodara #Gujarat #TV9News pic.twitter.com/3aGOH20Tpr
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી, કોંગ્રેસ નેતા લલિત વસોયાએ જણાવ્યું કે જુનિયર ક્લાર્કનું પેપર નહીં પરંતુ 9.53 લાખ બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂટયું છે. સરકારની ઢીલી નીતિને કારણે અનેક વાર પેપર ફૂટી રહ્યા છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી.
જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. આકરી મહેનત કરનારા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ટીવી નાઈન પરીક્ષાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરે છે. વિદ્યાર્થીઓએ જોશમાં હોશ ન ગુમાવવો જોઈએ. રાજ્ય સરકારે પેપર લીકમાં યોગ્ય તપાસની ખાત્રી આપી છે. પરીક્ષાર્થીઓને બસ ભાડુ પણ ચુકવવાની ખાત્રી આપી છે, ત્યારે પરીક્ષાર્થીઓ સંયમ જાળવીને સરકારી સંપત્તિઓને નુકસાન ન પહોંચાડે તેવી અપીલ ટીવી નાઈન કરે છે. પેપર લીકમાં સરકાર અને પરીક્ષા લેનારા બોર્ડની 100 ટકા ભૂલ છે, પરંતુ પરીક્ષાર્થીઓનો વિરોધ હિંસક ન હોવો જોઈએ.
રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કના પેપર લીક બાદ એક્શનમાં આવી છે. આ સમગ્ર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. પેપર લીકની વારંવાર બનેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર કડક કાયદો લાવી શકે છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં કડક કાયદો લાવી શકે છે.
#Gujarat government swings into action; will form a law to take legal action against those involved in #paperleak #Juniorclerk #Gandhinagar #TV9News pic.twitter.com/4Ao5hKsdLL
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
પેપર લીક મુદ્દે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે તંત્ર પર આકરા પ્રહાર કર્યા. અનંત પટેલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. અને લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરનારાને આકરી સજા આપવાની માગ કરી.
જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે અમરેલીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો છે. NSUIના હોદ્દેદારો અને ઉમેદવારોએ ટાયર સળગાવી પીપાવાવ અંબાજી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા NSUIના હોદ્દેદારોની અટકાયત કરી હતી. પેપર લીકમાં તપાસ નહીં થાય તો NSUIએ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
NSUI workers staged protest, burn typres against the #Juniorclerk #paperleak case #Amreli #Gujarat #TV9News pic.twitter.com/Dp1U5ZdnqC
— Tv9 Gujarati (@tv9gujarati) January 29, 2023
સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે
જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયા બાદ, ત્યાંથી લોકો રૂપિયા આપીને પેપર લઈ ગયા હોવાની માહિતી મળી છે. ATS ની એક ટીમ તપાસ માટે હૈદરાબાદ રવાના થઈ છે. જુનિયર ક્લાર્કનું પેપર વડોદરામાં રૂપિયાથી વેચાઈ રહ્યુ હતુ તેવો દાવો કરાયો છે.. જે અંગે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જાણ આ અંગેની જાણ થઈ હતી.
ગુજરાત ATSની ટીમ શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. ATSને માહિતી મળી હતી કે વડોદરાના પ્રમુખ કૉમ્પલેક્સમાં આવેલા સ્ટેક વાઈસ ટેક્નોલોજી નામના કોચિંગ ક્લાસમાંથી પેપર વાયરલ થયું હતું. ATSએ કોચિંગ ક્લાસના સંચાલકની અટકાયત કરી છે. જ્યારે ગુજરાતના 4 અને અન્ય રાજ્યના 11 શખ્સો મળીને કુલ 15 લોકોની અટકાયત ધરપકડ કરી છે
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનું પેપર ફૂટતા પરીક્ષાર્થીઓમાં રોષ છે. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વારંવાર પેપર ફૂટતા હોવાથી જવાબદારો સામે કડક પગલા લેવા જોઈએ. રાજ્ય સરકારની કડક વ્યવસ્થા છતાં પેપર ફૂટે તે મોટી બેદરકારી છે. શક્તિસિંહ ગોહિલે પરીક્ષાર્થીઓને યોગ્ય વળતર આપવાની પણ માગ કરી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ મામલે રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ. નવી તારીખ ટૂંક સમયમાં કરાશે જાહેર.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મોકુફ થતા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
જેમણે ભાજપ પર વિશ્વાસ કરી ને મત આપ્યો અને બીજાને આપાવ્યો એને અને એના સંતાનની પરીક્ષાનું ભાજપે પેપર ફોડી નાખ્યું!
ચૂંટણી સમયે આ મુદ્દા પર વારંવાર ચીસો પાડી હતી
કે ભાજપને મત આપશો તો પાપના ભાગીદાર બનશો ! સાચું ઠર્યું ને?
જ્યાં સુધી જનતા પોતાના મુદ્દાઓ પર મત નહીં કરે આપણે લૂંટાશું— Isudan Gadhvi (@isudan_gadhvi) January 29, 2023
તો પેપર ફૂટવાને લઇ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ. પરીક્ષા રદ્દ થયા બાદ અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશન પર ઉમેદવારોમાં ભારે જોવા મળ્યો હતો. ઉમેદવારોએ સમગ્ર ઘટનાને લઇ માત્ર અને માત્ર ભાજપની સરકારને જ જવાબદાર ગણાવી રહ્યા છે.. ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા કહ્યુ કે, સરકાર એક પરીક્ષા વ્યવસ્થિત લઇ નથી શકતી. જેના કારણે લાખો ઉમેદવારોના સપના અધૂરા રહી જશે.
જુનિયર ક્લાર્કના પેપર ફૂટવા મુદ્દે અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં કેમ વારંવાર પેપર ફૂટે છે ? ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે થાય છે ચેડા
Almost every exam in Guj gets leaked. Why? The future of crores of youth is ruined. https://t.co/XWZ5EgSy7t
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2023
જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા ઉમેદવારો માટે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ ઘરે પરત જવા એસટી બસમાં વિના મૂલ્યે જઇ શકશે. પરીક્ષાર્થી કોલ લેટર કે હોલ ટિકિટ બતાવી ફ્રીમાં ઘરે જઈ શકશે પરત.
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા સુરતના ઉમેદવારો નિરાશ થયા છે. વહેલી સવારથી દૂર-દૂરથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો સેન્ટર પર પહોંચ્યા હતા. બાદમાં પેપર ફૂટયાની જાણ થતા ઉમેદવારો તંત્ર સામે રોષે ભરાયા હતા.છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા. તેમણે કટાક્ષ કર્યો કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓને પેપર ફૂટવાની ભેટ આપી છે. સરકાર પાસે હવે કોઈ જ આશા રહી નથી
આ તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીક્ષાર્થીઓને વળતર આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ સાથે મજાક થઈ છે. દાખલારૂપમ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ના કરે
PAAS નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળ ના તમામ જવાબદાર લોકો ને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડી પરીક્ષાર્થીઓના પરિવાર ને ન્યાય આપે. આ પરીક્ષા માં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય નો સવાલ છે. જલ્દી થી નવી તારીખ જાહેર કરવામાં આવે.
પંચાયત સેવા પસંદગી મંડળ ના તમામ જવાબદાર લોકો ને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડી પરીક્ષાર્થીઓના પરિવાર ને ન્યાય આપે. આ પરીક્ષા માં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય નો સવાલ છે.
જલ્દી થી નવી તારીખ જાહેર કરવામાં આવે.@CMOGuj @GPSC_OFFICIAL @GujPRHDept @sanghaviharsh @bachubhaikhabad pic.twitter.com/Zl8ftpOi2I— Dinesh Bambhania (@dineshbambhania) January 29, 2023
Published On - 8:47 am, Sun, 29 January 23