સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે સરકારની સેમી કન્ડક્ટર પોલિસીની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારી સર્જવાની નેમ

સેમીકન્ડક્ટરની (Semiconductor Policy) અછત સામે ભારત જેવા દેશો માટે મોટો અવસર માનવામાં આવી રહ્યો છે. સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં વિશ્વમાં નવી ઓળખ મેળવવા માટે ઘણા દેશો પ્રયાસમાં લાગી ગયા છે.

સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે સરકારની સેમી કન્ડક્ટર પોલિસીની જાહેરાત, આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારી સર્જવાની નેમ
ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી જાહેર
| Edited By: | Updated on: Jul 27, 2022 | 3:06 PM

વિશ્વમાં ઉભી થયેલી સેમીકન્ડક્ટર ચીપની (Semiconductor chip) અછત વચ્ચે રાજ્ય સરકારે મહત્વની પોલિસી (Government policy)  જાહેર કરી છે. સરકારે સાયન્સ અને ટેક્નોલોજી (Science and Technology) વિભાગમાં ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી (Gujarat Semi Conductor Policy) જાહેર કરી છે. સેમી કન્ડક્ટર ચિપ ઉત્પાદન માટે IMSની સ્થાપના કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા 76000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે, ગુજરાત સરકાર દ્વારા ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકારણકારોને આકર્ષવા માટે પોલિસી જાહેર કરાઈ છે. આ યોજના હેઠળ રોકાણકારોને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ઉપરાંત ગુજરાત સરકાર 40 ટકા સહાય આપશે.

સેમીકેન્ડક્ટર ચીપ શું છે ?

હવે એ જાણી લઈએ કે સેમી કેન્ડક્ટર ચીપ છે શું. સામાન્ય રીતે સેમીકન્ડક્ટર સિલિકોનથી બનેલી હોય છે. સેમીકન્ડક્ટર ચીપ મોટાભાગની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓને પાવર આપે છે. કોઈ પણ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુનો પાવર કંટ્રોલ કરવા માટે આ ચીપ ખૂબ જરૂરી હોય છે. કાર, લેપટોપ, ફ્રિજ જેવી ચીજવસ્તુઓમાં આ ચીપનો ઉપયોગ થાય છે. કંડક્ટર અને ઈન્સ્યુલેટર વચ્ચે સેમીકન્ડક્ટર કામ કરે છે. આ ચીપમાં જર્મેનિયમ, ગેલિયમ અને આર્સેનાઇડ અથવા કેડમિયમ સેલેનાઇડનું મિશ્રણ હોય છે.

પાંચ વર્ષ માટેની પોલિસી જાહેર

એક તરફ વિશ્વમાં સેમીકન્ડક્ટની અછત છે. બીજી તરફ ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકારે પણ એક પોલિસી જાહેર કરી છે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે પોલિસી જાહેર કરી છે. આ પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 માટેની છે. જેમાં 2 લાખથી વધુ રોજગારી સર્જન કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પોલિસી હેઠળ ધોલેરા સરમાં રાજ્ય સરકારે સેમિકોન સિટી વિકસાવાનું પણ આયોજન કર્યું છે. તો રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકારે સબસિડી અને સહાયની પણ જાહેરાત કરી છે.

આ પ્રકારની સહાયની જાહેરાત

આ પોલીસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા 12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે 10 ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે. પોલીસી અંતર્ગત, પાત્ર પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી 10 વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂપિયા 2ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, 1958 હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે. આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/વેચાણ/ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે.

રોકાણકારોને આકર્ષવાના પ્રયાસ

સેમીકન્ડક્ટરની અછત સામે ભારત જેવા દેશો માટે મોટો અવસર માનવામાં આવી રહ્યો છે. સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં વિશ્વમાં નવી ઓળખ મેળવવા માટે ઘણા દેશો પ્રયાસમાં લાગી ગયા છે. સામે ભારત પણ અવસર ઝડપવા કામે લાગી ગયું છે. ભારત ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ઈન્ડિયન સેમીકન્ડક્ટર મિશન જાહેર કર્યું છે જેના માટે કેન્દ્રએ 76 હજાર કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. તો અલગ-અલગ સ્કિમ હેઠળ રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવીએ કે વિશ્વમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે તાઈવાનનો કબજો છે. તાઈવાનની TCMS વિશ્વની સૌથી મોટી કંપની છે જે આ ચીપનું ઉત્પાદન કરે છે. તો આ રેસમાં ચીન અને સાઉથ કોરિયા પણ પાછળ નથી.