Gandhinagar: રાજ્યમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ, મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

Gandhinagar: રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલી કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના સરકારના પંચાયત વિભાગના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ તેમના એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ તમામ આરોગ્યકર્મીઓ ત્વરીત તેમની સેવામાં જોડાઈ જશે.

Gandhinagar: રાજ્યમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ, મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
હડતાળનો અંત
| Edited By: | Updated on: Aug 30, 2022 | 8:06 PM

રાજ્ય સરકારના પંચાયત વિભાગના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારી(Health Workers)ઓના એસોસિએશન દ્વારા હડતાળ (Strike) સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલી કમિટી સાથે ચર્ચા વિચારણા બાદ તાત્કાલિક હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ આરોગ્યકર્મીઓ હવેથી ત્વરીત તેમની સંલગ્ન સેવામાં જોડાઈ જશે. પંચાયતવિભાગ (Panchayat Department)ના આરોગ્યકર્મીઓની મોટાભાગની માગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક મહિનામાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતી સધાતા આ નિર્ણય કરાયો છે.

5 મંત્રીઓની રચાયેલી કમિટીમાં સહમતી સધાતા એસોસિએશને હડતાળ સમેટવાનો કર્યો નિર્ણય

આંદોલનો શાંત પાડવા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીના સભ્યો જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, નિમીષાબેન સુથાર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આરોગ્યકર્મીઓના એસોસિએશનની તમામ માગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ સધાતા હડતાળ સમેટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી એક મહિનામાં માગણીઓનો ઉકેલ લાવવા જીતુ વાઘાણીની હૈયાધારણા

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જણાવ્યુ કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્યકર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માગણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહાનુભૂતિપૂર્વક પંચાયતના કર્મચારીઓ દ્વારા જે માગણીઓ કરવામાં આવી છે તેનો આગામી એક મહિનામાં રાજ્ય સરકારે યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.

રાજ્ય સરકાર એક મહિનામાં લેશે હકારાત્મક નિર્ણય: ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે, જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામા બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

Published On - 8:06 pm, Tue, 30 August 22