ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે (CM Bhupendra Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત સંશાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે.
એટલું જ નહિ, કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સની માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે. આ MoUનું રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને CSIRના ચીફ સાયન્ટીસ્ટ અને હેડ સેન્ટ્રલ પ્લાનિંગ ડિરેકટરેટ કે. વૈંકટેશસુબ્રહ્મણયન એ પરરસ્પર આદાન-પ્રદાન કર્યુ હતું.
આ મહત્વપૂર્ણ MoU અન્વયે iCreate નિર્ધારિત CSIR લેબમાં નવા ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં મદદ કરશે તથા આવા સ્ટાર્ટ-અપ્સ CSIRના સાધનો, સુવિધાઓ અને વૈજ્ઞાનિક માનવબળનો ઉપયોગ પણ કરી શકશે. CSIR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપોર્ટ પૂરો પાડીને ઉભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ભારતના નવીન સ્ટાર્ટ-અપ્સને આર્થિક ટેકો આપવા માટેની નવી પદ્ધતિઓનું અન્વેષણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની યુવાશક્તિના સ્ટાર્ટઅપ્સ ઇનોવેશનને પ્રોત્સાહિત કરી ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ સાકાર કરવા કરેલા આહવાનમાં ગુજરાતે આ MoUથી આગવું કદમ ઉઠાવ્યું છે. iCreate તેના મજબૂત ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ અને માર્કેટ લિંકેજ એટલે કે બજાર જોડાણોનો પણ ભરપૂર લાભ મેળવશે, જેથી વાસ્તવિક જરૂરિયાતો શોધી CSIRના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા સાયન્ટિફિક ઇનોવેશન્સ મારફતે પૂર્ણ કરી શકાશે. આમ, CSIR દ્વારા કરવામાં આવતા ઇનોવેશન્સનું ઝડપી કમર્શિયલાઇઝેશન એટલે કે વ્યાપારીકરણ થશે અને ગ્લોબલ માર્કેટ પણ મળતું થશે.
iCreate અને CSIR ના એકસાથે આવવાથી બહુવિધ હિસ્સેદારો વચ્ચે નવી સિનર્જીના પરિણામે સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ખુલવાની અપેક્ષા છે. iCreate એ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંખ્યામાં સ્ટાર્ટ-અપ્સને ઝડપથી વિકાસ કરવામાં અને ઉત્પાદનની માત્રા વધારવામાં મદદ કરી છે. હવે CSIR ના સહયોગથી, iCreate ભારતની મજબૂત ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં સહાયક બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સહભાગીતા યુવા સ્ટાર્ટઅપ્સ અને સમગ્ર સ્ટાર્ટઅપ-ઇનોવેશન-રિસર્ચ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બનશે એવો વિશ્વાસ આ વેળાએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, આઇ-ક્રિયેટના સી.ઇ.ઓ અનુપમ જલોટે તેમજ CSIRના વરિષ્ઠ અધિકારીઓ આ MoU વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.