Gandhinagar : ભાજપના (BJP) કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. 7 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM bhupendra patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (CR Patil) દિલ્હી જવાના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે. જેમાં રાષ્ટ્રીય કારોબારીના પદાધિકારીઓ પણ હાજર રહેવાના છે. ગુજરાત ભાજપ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ ,હરિયાણા પ્રદેશ ભાજપની પણ દિલ્હીમાં બેઠક મળશે.
આ બેઠકમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે. 2024 પહેલા ગુજરાત ભાજપમાં માળખામાં ફેરફારને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જે પી નડ્ડાની નવી ટીમમાં ગુજરાતમાંથી નામોને લઈને પણ ચર્ચાની શકયતા છે. 2024 પહેલા ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદેશ સંગઠનના માળખામાં ફેરફારની કવાયત હાથ ધરાશે.
ભાજપ દ્વારા 2024 લોકસભાની ચૂંટણી સાથે 2023માં જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એને લઈને પણ એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન દ્વારા આ જ કારણથી દેશના વિવિધ રાજ્યોને 3 અલગ અલગ ક્લસ્ટરમાં ગોઠવવામાં આવ્યા છે. સાથે જ બેઠકનો દોર પણ 6 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમ 3 અલગ અલગ ઝોન વાઇસ આગામી સમયમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક બાદ જે પી નડ્ડાની ટીમ, અલગ અલગ રાજ્યોના પ્રદેશ માળખા સહિતને લઈને નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, તથા રાષ્ટ્રીય કારોબારીના સભ્યો હાજર રહેશે.
6 જુલાઈએ ગુવાહાટીમાં પૂર્વ ક્લસ્ટરની બેઠક યોજાશે. જેમાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ, આસામ, સિક્કિમ, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય તથા ત્રિપુરાના પ્રદેશ હોદ્દેદારો મુખ્યમંત્રી હાજર રહેશે. તો 7 જુલાઈએ દિલ્હીમાં ઉત્તર રિજયનની બેઠક યોજાશે. જેમાં ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, દિવ દમણ, દાદર નગર હવેલી, એમપી, યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ તથા હરિયાણા રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ તથા મહામંત્રીઓ હાજર રહેશે.
આ બેઠક ગુજરાતની દ્રષ્ટિએ મહત્વની છે કેમ કે ગુજરાત પ્રદેશ માળખાના બદલાવને લઈને બેઠક બાદ કોઈ નિર્ણય આવી શકે છે. 8 જુલાઇએ દક્ષિણ રિજિયનની બેઠક હૈદરાબાદમાં યોજાશે. જેમાં કેરળ, તમિલનાડુ, પોન્ડીચેરી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંદામાન તથા લક્ષદ્વીપ ભાજપ પ્રદેશ હોદ્દેદરો તથા સીએમ હાજર રહેશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો