Gandhinagar : ખેડૂતો માટે ખુશખબર, મુખ્યપ્રધાનનો રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય

|

Aug 10, 2021 | 6:22 PM

રાજ્યભરમાંથી ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે.

Gandhinagar : રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદની ખેડૂતોને આશા હતી. પરંતુ, જૂલાઇ મહિનામાં બીજા અઠવાડિયા બાદ ખાસ વરસાદ નોંધાયો નથી. જેના કારણે રાજયભરના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ખેડૂતોનું વાવેતર થયા બાદ વરસાદ ના પડતા હવે પાક સુકાવાની અણીએ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સિંચાઇ માટે સમગ્ર રાજ્યના ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ ડેમોમાંથી સરકાર સિંચાઇ માટે નહેર થકી પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી ખેડૂતોના સુકાઇ રહેલા પાકને નવું જીવન મળશે.

રાજ્યભરમાંથી ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આમ, ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા 30 સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખવામાં આવશે. જયારે બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ માટે તાત્કાલિક અસરથી પાણી છોડવા જળસંપત્તિ વિભાગને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

 

વરસાદ ખેંચાતા રાજ્યભરમાંથી પાક બચાવવા માટે સિંચાઇ માટે પાણી છોડવા માટે રજૂઆતો રાજ્ય સરકારને કરવામાં આવી હતી. સતત 20 દિવસ કરતા વધુ સમયથી સારો વરસાદ ન પડતા હવે રાજ્ય સરકારે ખેડૂતોના પાક બચાવવા માટે ડેમોમાં પાણીના સંગ્રહિત જથ્થામાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

Next Video