મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી દરમ્યાન G-20 બેઠકો માટે સજજ્ છે. ગુજરાતમાં G-20ની બેઠકોના આયોજન અંગે મીડિયાને વિગતવાર માહિતી આપતા નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. આ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ પણ આવવાના ગઇકાલથી જ શરૂ થઇ ગયા છે.
મોના ખંધારે વધુમાં કહ્યું કે, આ જી-20 સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે. ભારતમાં 200થી વધુ મીટિંગો થવાની છે. જેમાં 15 જેટલી બેઠકો ગુજરાતમાં પણ યોજાવાની છે. ગુજરાતમાં 600થી વધુ ડેલિગેટ્સ આવી રહ્યા છે. જેમાં 200 જેટલા ઇન્ટરનેશનલ તેમજ 400 ભારતના ડેલિગેટ્સનો સમાવેશ થાય છે. આ બધા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળયેલા છે.
G-20ની બેઠકોની વિગતવાર માહિતી આપતા અગ્ર સચિવે કહ્યું કે, “ક્લાઈમેટ એક્શન : એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર”, “રિથિન્કીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ , ઇન્ક્લુઝીવ ઇમ્પેક્ટ “, ” રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજીટલ કોઓપરેશન: અ કોલ ફોર એક્શન”, “બિલ્ડીંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ: એડવાન્સિંગ ઇન્ક્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ ઓલ” અને “ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
મોના ખંધારે B20 ઇન્સેપ્શન મીટિંગની વિગતો આપતા કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. આ પ્રતિનિધિઓ 22 જાન્યુઆરી, 2023ના રોજ દાંડી કુટિરની મુલાકાત લેશે. એ જ દિવસે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ ઓપનિંગ સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપશે.
ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, B20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગર ખાતે 22 થી 24 જાન્યુઆરી 2023 સુધી યોજાઇ રહી છે. B20 સત્રો વૈશ્વિક વ્યવસાયો માટે નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરશે અને B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, 23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ પર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે. જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, વાસનમંત્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે.