
લોકસભા ચૂંટણી તૈયારીઓને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શુક્ર-શનિ બે દિવસ પ્રભારી સાથેની બેઠકો બાદ રવિવારે સાંજે કોંગ્રેસે તમામ 26 લોકસભા બેઠક માટેના નિરીક્ષકોની યાદીની જાહેરાત કરી. યાદીમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને સંગઠનના હોદ્દેદારોને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસની બીજી હરોળની નેતાગીરીને લોકસભાની જવાબદારી સોંપાઈ છે. નવા જવાબદારી મેળવનાર નિરીક્ષકોએ લોકસભા બેઠકમાં સંગઠનની હાલની સ્થિતિથી પક્ષને જાણ કરવા અને લોકસભામાં કોંગ્રેસ માટે જીતના ઉમેદવારની પસંદગીમાં મંતવ્ય આપવાની મુખ્ય કામગીરી રહેશે.
INDIA ગઠબંધનમાં સીટોને લઇ કોઈ નિર્ણય નથી લેવાયો ત્યારે ગુજરાત આવેલ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે AAP ઉમેદવાર તરીકે ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરી દીધી છે. AAPની જાહેરાત બાદ કોંગ્રેસે પણ ભરૂચ બેઠક માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે. એક જ દિવસે કોંગ્રેસ-AAPથી બે જાહેરાતો બાદ ચર્ચા એ પણ શરૂ થઈ છે કે શું ગુજરાતમાં INDIA ગઠબંધન નહીં થાય? કારણ કે ગઠબંધન થવાનું હોય તો AAP આવી જાહેરાત ના કરે! અને જો ગઠબંધન થવાનું જ હોય તો અહમદ પટેલના પુત્રી કે જેઓ લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે એમનું શુ?
કચ્છમાં ગુલાબસિંહ રાજપુત તો બનાસકાંઠામાં બળદેવજી ઠાકોરથી લઈને સાબરકાંઠામાં સી.જે ચાવડાને જવાબદારી સોંપાઈ છે. તો ગાંધીનગર બેઠક માટે અમી યાગ્નિક અને અમદાવાદ(ઇસ્ટ) નિશિત વ્યાસ તો અમદાવાદ(વેસ્ટ) રઘુ દેસાઈની નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે. તો સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો રાજકોટમાં પુંજા વંશ, જામનગરમાં સામત ઓડેદરા, જુનાગઢમાં વિક્રમ માડમ, અમરેલીમાં ચંદ્રિકાબેન ચુડાસમા, તો ભાવનગર બેઠકની વીરજીભાઈ ઠુંમરને જવાબદારી સોંપાઈ છે. વડોદરામાં રાજેન્દ્રસિંહ પરમાર, તો સુરત અનુજ પટેલ સહિત તમામ 26 બેઠકો પર કોંગ્રેસે નિરીક્ષક નીમ્યા છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર અને ત્યારબાદ પણ ધારાસભ્ય તૂટ્યા છે ત્યારે 2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ સાબિત થનાર છે. 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં એક પણ બેઠક પ્રાપ્ત થઈ ના હતી. ત્યારે 2024માં ખાતું ખુલવું પણ કોંગ્રેસ માટે સારું પરિણામ કહી શકાય.