પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી-20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન 23 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે.
આ ઓપનિંગ સેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન હાજર રહેશે.
ત્યાર બાદ ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાશે, જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપશે.
B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.
ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે બિઝનેસ20 ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે.
23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના 250થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઇ, માનનીય ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. આ પ્રતિનિધિઓ 22 જાન્યુઆરી, 2023ના રોજ દાંડી કુટિરની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
24 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Video : સુરતમાં ફ્રી ફાયર ગેમના ઝઘડામાં કિશોરની હત્યા થયાનો ઘટસ્ફોટ, ત્રણ માસ પૂર્વે નોંધાઇ હતી ફરિયાદ