Gujarati Video : અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનને નવી જંત્રી મુદ્દે મુખ્યપ્રધાનને રજૂઆત કરી, વાંધા અને સૂચનો આપ્યા

અમદાવાદ (Ahmedabad ) બિલ્ડર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં તેમની પ્રમુખ માગ હતી કે, જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે.

| Edited By: | Updated on: Feb 07, 2023 | 1:20 PM

ગુજરાતમાં સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સીધો 100 ટકાનો વધારો કરી દીધો છે. જે પછી વિરોધનો સૂર જોવા મળી રહ્યા છે. એક તરફ જંત્રી મામલે હજુ સરકારે કોઇ નવી જાહેરાત નથી કરી. ત્યારે લોકો અને સાથે બિલ્ડર્સ પણ અસમંજસ છે. અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ આજે ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા.

અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનની શું છે માગ ?

અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં તેમની પ્રમુખ માગ હતી કે, જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે. આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી પણ રજૂઆત કરી. બિલ્ડર્સ એસોસિએશનની એવી પણ માગ છે કે જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ રખાય. જમીનની જંત્રીમાં 50 ટકાનો વધારો અને બાંધકામની જંત્રીમાં 20 ટકાનો જ વધારો કરાય.

તો તેમની એવી પણ માગ છે કે FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય. બિલ્ડર્સ એસોસિએશને એવુ પણ સૂચન કર્યુ છે કે 45 લાખથી ઓછાના મકાનો જે અફોર્ડેબલ હાઉસિંગમાં આવે છે તેમાં 22 લાખથી 45 લાખની વચ્ચેની કિંમતના દસ્તાવેજોમાં જંત્રી ડબલ થઇ જશે. જ્યારે 22 લાખથી ઓછાના મકાનોમાં જ રાહત મળશે. એટલે સરકાર 22 થી 45 લાખ સુધીના અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ યોગ્ય નિર્ણય લે.

જંત્રીના ભાવમાં વધારો

ગુજરાતમાં સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સીધો 100 ટકાનો વધારો કરી દીધો છે. જોકે આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ જંત્રીના ડબલ ભાવવધારા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાજ્યમાં જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એ જોતાં જમીનોના ભાવમાં વધારો પણ થયો છે. હવે આ જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરી દેવાયા છે. એટલે સીધી ભાષામાં કહીએ તો રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજનો ખર્ચ વધી જશે. આ ઉપરાંત અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ 30થી 50 ટકા વધી જશે.