વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે. જણાવવું રહ્યું કે ડમી કાંડ મુદ્દે હવે તપાસના ઘેરામાં યુવરાજસિંહ આવ્યા છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ભાવનગર દ્વારા પાઠવવામાં આવેલા સમન્સમાં 11 જેટલી IPCની કલમ લગાડવામા આવી છે અને આવતીકાલ એટલે કે 19 એપ્રીલ 2023ના રોજ જ ભાવનગર પોલીસ મથકે હાજર રહેવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યું છે.
યુવરાજ સિંહ સામે થયેલા આક્ષેપો બાદ પોલીસે હાજર થવાનું ફરમાન કર્યુ છે. ડમીકાંડ કેસમાં યુવરાજ સિંહ સામે વિગતો છુપાવવાના તેમજ વિગત ના આપવા સામે આર્થિક વ્યવહાર થયા હોવાના પોલીસ પાસે પુરાવા આવ્યા બાદ પોલીસે સમન્સ પાઠવ્યું છે અને હવે આ મુદ્દે ઘણા ખુલાસા સામે આવી શકવાનું લાગી રહ્યું છે. ભાવનગર પોલીસે ઈશ્યુ કરેલા સમન્સની કોપી ટીવી 9 પાસે આવી ગઈ છે.
ભાવનગર ભરતી પરીક્ષામાં ડમીકાંડના પડઘા છેક ગાંધીનગર ગૃહવિભાગ સુધી પડ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તો બીજી તરફ યુવરાજસિંહે તેમના પર લાગેલા આરોપોનુ ખંડન કરતા સરકાર પર વળતા પ્રહાર કર્યા છે. યુવરાજનો આરોપ છે કે ડમીકાંડમાં 70થી વધુ આરોપીઓની સંડોવણી છે, છતાં કેમ માત્ર 36 આરોપીઓ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી અને અન્ય આરોપીઓની કેમ હજુ ધરપકડ નથી કરવામાં આવી.
તો ડમીકાંડમાં વધુ એક નવો ખૂલાસો થયો છે. યુવરાજસિંહે અગાઉ હસમુખ પટેલને ડમી ઉમેદવારના નામ આપ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારો ન બેસે તે માટે યુવરાજસિંહે નામ આપ્યા હતા. ગેરરીતિ કરી ચુકેલા અને ડમી ઉમેદવારોના નામ હસમુખ પટેલને મોકલ્યા હતા.
યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા હતા. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ ન હતા. આ આરોપ લગાવ્યો હતો યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જેઓ 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા હતા.
Published On - 7:24 pm, Tue, 18 April 23