Breaking News: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા કાળા કપડા પહેરી વેલમાં ધસી આવી વિરોધ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી કરાયા સસ્પેન્ડ

Gandhinagar: વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કર્યુ અને રાહુલ ગાંધી વિરુદ્ધની કાર્યવાહીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે સરકારની રજૂઆત બાદ સમગ્ર સત્ર માટે કલમ 52 મુજબ સસ્પેન્ડ કર્યા છે.

Breaking News: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા કાળા કપડા પહેરી વેલમાં ધસી આવી વિરોધ કરનારા કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી કરાયા સસ્પેન્ડ
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:07 PM

વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ કરવા માટે વેલમાં ધસી આવ્યા હતા.  પ્રશ્નકાળ દરમિયાન આ તમામ વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં સૂઈ ગયા હતા. જો કે તેમને ઉંચકીને બહાર લઈ જવાયા હતા.  અને તેમને ગૃહની કાર્યવાહીમાંથી પહેલા કલમ 51 મુજબ એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને બલવંતસિંહ રાજપૂત તેમજ રાઘવજી પટેલની રજૂઆત બાદ તમામ ધારાસભ્યોને કલમ 52 મુજબ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઋષિકેશ પટેલની દરખાસ્ત પર વિધાનસભા અધ્યક્ષે 16  ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી કર્યા સસ્પેન્ડ

સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના દેખાવો અંગે નિવેદન આપ્યુ કે કોંગ્રેસના સભ્યોને એક દિવસ પુરતા નહીં સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે ગૃહમાં પ્રશ્નોતરી કાળ ઘણો મહત્વનો છે. જેમા અધવચ્ચે કોઈપણ મુદ્દો ઉપસ્થિત ન થઈ શકે.  રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસના દેખાવ મુદ્દે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે અગાઉથી જ નક્કી કરી કાળા કપડા અને પોસ્ટર લઈ વિરોધ કર્યો. ગુજરાતની જનતાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે તેવો આક્ષેપ પણ કર્યો.

કોંગ્રેસના ધારાસભ્યોએ સંસદીય પ્રણાલીની વિરુદ્ધ વેલમાં સૂઈ જઈ વિરોધ કર્યો

કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ અંગે રાજ્ય સરકારના સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ કે પ્રશ્નકાળમાં રાજ્યના મુદ્દાઓ અંગે ચર્ચા થતી હોય છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સંસદીય પ્રણાલીના નિયમોની વિરુદ્ધ દેખાવો કર્યા. વેલમાં ધસી આવવુ સંસદીય પ્રણાલીના નિયમોની વિરોધમાં છે. કોંગ્રેસના સભ્યો વેલમાં આવીને સૂઈ ગયા હતા. કોઈપણ પ્રકારના મુદ્દા વગર પ્રણાલીને ડિસ્ટર્બ કરવાનુ કાળુ કામ કર્યુ છે. પ્રશ્નકાળમાં રાજ્યના મુદ્દાઓ અંગે ચર્ચા થતી હોય છે.

બધા સભ્યો એકસાથે કાળા કપડા પહેરી ગૃહમાં ન આવી શકે-બલવંતસિંહ રાજપુત

જ્યારે બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે વિધાનસભાગૃહમાં બધા સભ્યો એકસાથે કાળા કપડા પહેરી ન આવી શકે. કોંગ્રેસના વિરોધને તેમણે પૂર્વ આયોજિત  કાવતરુ ગણાવ્યુ. સરકારના મંત્રીઓની રજૂઆત બાદ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને કલમ 52 મુજબ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે.

નિયમોની ઉપરવટ જઈને આવી દરખાસ્ત લાવવામાં આવીઃ શૈલેષ પરમાર

સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાતા કોંગ્રેસે પણ ગૃહની બહાર વિરોધ કર્યુ. હાથમાં બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. કોંગ્રેસના શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે નિયમોની ઉપરવટ જઈને દરખાસ્ત લાવવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને એક જ દિવસમાં બે વાર સસ્પેન્ડ કરવા મુદ્દે પ્રફુલ પાનસેરિયાએ જમાવ્યુ કે અધ્યક્ષ વિધાનસભાના નિયમો મુજબ જ નિર્ણય લે છે.

આ પણ વાંચો: Breaking News: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસે કર્યા દેખાવ, વેલમાં ધસી આવી વિરોધ કરનારા ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

Published On - 1:33 pm, Mon, 27 March 23