રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં બટાકાના ખેડૂતો માટે 200 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. એપીએમસીમાં બટાકા વેચનારને 20 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અન્ય રાજ્ય અને દેશ બહાર નિકાલ માટે 20 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમા કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માવઠાના મારથી કેરીના પાકને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. એક લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીના પાકના મોરવા તૂટી પડ્યા છે. રાજ્ય સરકાર ઝડપથી સર્વે કરી સહાય ચુકવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
બનાસકાંઠા પંથકમાં પણ કમોસમી વરસાદ જગતના તાતને માથે આફત બનીને ત્રાટક્યો. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજગરા અને બટાકાનો પાક ધોવાઇ ગયો છે. રાજગરા અને બટાકાની ખેતી 3 માસની હોય છે. જેમાં ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખરીદી સારા પાકની આશાએ વાવેતર કરતા હોય છે. પરંતુ માવઠાએ ખેડૂતોની કમાણી અને મહેનત એમ બંને પર પાણી ફેરવી દીધું છે. આથી ખેડૂતોએ સરકાર પાક નુકસાનીનો સરવે કરી સહાય ચૂકવે તેવી માગણી કરી છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતને ફરી પડ્યા પર પાટું માર્યું છે. માવઠાને કારણે અનેક શહેરોમાં ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ગાંધીનગરના કલોલના APMCમાં ઘઉં, બાજરી, એરંડા, રાઇ સહિતના પાકની બોરીઓ પલળી ગઇ. બીજી તરફ બનાસકાંઠામાં પણ ખેતરમાં રહેલા રાજગરા અને બટાકાના પાકને પણ વરસાદને કારણે વિપુલ નુકસાન પહોંચ્યું છે. પરિણામે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ અને મજૂરી સહિતનો ખર્ચો માથે પડ્યો છે. તો અરવલ્લીમાં પણ મેઘરજના જીતપુર, ખાખરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસેલા વરસાદને કારણે ઘઉં, મકાઇ, ચણા સહિતનો ઉભો પાક નાશ પામ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં ઘઉંનો ઘણો પાક નાશ પામ્યો છે.
Published On - 10:11 am, Tue, 7 March 23