
વર્ષ 2022 એ ગુજરાત માટે ચૂંટણીનું વર્ષ (Election year) છે. ત્યારે અનેક રાજકીય ઉથલપાથલ સ્વાભાવિક રીતે જોવા મળી રહી છે. જો કે તમામની વચ્ચે, ગુજરાત ભાજપે (Gujarat BJP) રાજ્ય સરકારના 2 કેબિનેટ મંત્રીઓને કદ પ્રમાણે વેંતરી નાખવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વપુર્ણ છે કે ગઈકાલે શનિવારે મોડી સાંજે કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પાસેથી મહેસુલ વિભાગ જ્યારે પૂર્ણેશ મોદી (Purnesh Modi) પાસેથી માર્ગ મકાન વિભાગનો હવાલો આંચકી લેવાયો છે. આ બનેં વિભાગમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધી દેખરેખ રાખશે. જ્યારે રાજ્ય કક્ષાના આ વિભાગની જવાબદારી ક્રમશ હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને જગદીશ પંચાલને (Jagdish Panchal) સોંપવામાં આવી છે. જેનું સત્તાવાર નોટિફિકેશન પણ મોડી રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું. જો કે બન્ને નેતાઓ પાસેથી પોર્ટફોલિયો આંચકી લેવાનું ઘટના અચાનક નથી બની.. તેની પાછળ કેટલાક કારણો જવાબદાર છે..
રાજેન્દ્ર ત્રિવેદી
પૂર્ણશ મોદી
ઉલ્લેખનીય એ છેલ્લા 3 સપ્તાહથી સીએમ દ્વારા તમામ મંત્રીઓને પોતાના વિભાગની કામગીરી પર ધ્યાન રાખવા સતત ટકોર કરવામાં આવી રહી હતી. સાથે જ પાર્ટી લાઈનમાં રહેવા પણ ટકોર કરાઈ રહી હતી. જો સૂત્રોનું માનીએ તો ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની તમામ કામગીરીનો રિપોર્ટ કાર્ડ કેન્દ્રીય નેતૃત્વ પાસે છે. એક તબક્કે બન્ને પ્રધાનોને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાની વાત હોવાનો પણ ચર્ચા હતી. જો કે ચૂંટણીનું વર્ષ હોવાના કારણે માત્ર પોર્ટફોલિયો આચંકી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે અનેક રાજકીય પ્રયોગો કર્યા છે. જેના કારણે જ ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી કહેવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે ચાર્જ લીધા બાદ સંગઠનમાં મોટા પાયે ધરખમ ફેરફાર કર્યો. વરિષ્ઠોને બદલે નવયુવાનોને વધુ તક આપી. ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અમલમાં લાવવામાં આવી હતી. જેમાં સફળતા સાંપડી હતી. ચૂંટણીના એક વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારમાં પરિવર્તન લાવવામાં આવ્યું. નવી સરકારમાં એવા મંત્રીઓનો સમાવેશ કરાયો જે પ્રથમ વાર મંત્રી બન્યા હોય. ચૂંટણીના 3 મહિના પહેલા સરકારના 2 મંત્રીઓ પાસેથી ખાતા આંચકી લેવાયા એ ભાજપનો નવો પ્રયોગ છે.
ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ છે. આ રાજ્યમાં ભાજપને નબળુ પડવુ બન્ને નેતાઓને કોઈ પણ સંજોગોમાં પાલવે તેમ નથી. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં સીધી દેખરેખ રાખી રહ્યાં છે. આ બન્ને નેતાઓએ તેમની આગવી વ્યવસ્થા વડે, ગુજરાત સરકાર અને ગુજરાતના રાજકારણમાં થઈ રહેલ તમામ ગતિવીધિ ઉપર દેખરેખ રાખી રહ્યાં છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે, ગુજરાતમાં પ્રવાસ પણ વધાર્યા છે. આ પ્રવાસ દરમિયાન જરૂર પડે તેવા નેતાઓ સાથે સીધો સંપર્ક કરે છે. અને જરૂરી સુચનાઓ પણ આપી દે છે. રાજકીય બાબતોના જાણકારોના કહેવા મુજબ, બન્ને પ્રધાનો પાસેથી ખાતાઓ આંચકી લેતા પૂર્વે અમિત શાહની ગુજરાત મુલાકાત સુચક માનવામાં આવે છે. અમિત શાહ દિલ્લી પહોચ્યાના ગણતરીના કલાકોમાં જ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતાનો હવાલો લઈ લેવાયો છે.
માત્ર અમિત શાહ જ નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ પણ ગુજરાતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા છે. ગુજરાતના પોલીસ વડા અને ગુજરાતના મુખ્ય સચિવને પણ મુદત વધારો અપાયો તે સમયે પણ કહેવાતુ હતુ કે પીએમ મોદીના સલાહ સુચન મુજબ બન્ને ઉચ્ચ સનદી અધિકારીઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક વર્ષથી બી એલ સંતોષની ભૂમિકા મહત્વની જોવા મળી રહી છે. ગુજરાત ભાજપમાં ચાલતી તમામ ગતિવિધિઓ અંગે અમિત શાહ તથા pm મોદીને જાણ કરવી તેમજ કેન્દ્ર દ્વારા લેવાયેલા નિર્ણય અથવા કેન્દ્રીય નેતૃત્વમાં મિજાજ અંગે ગુજરાત સરકાર અને સંગઠનને માહિતગાર કરવાનો રહ્યો છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીની સરકારને રાજીનામુ આપવા અંગે લીધેલા નિર્ણય હોય, કે પછી ભુપેન્દ્ર પટેલને સીએમ તરીકે પસંદ કરવાનો નિર્ણય હોય, તમામ કેન્દ્રીય નેતૃત્વ દવારા લેવાયેલા નિર્ણયોની જાણ ગુજરાત ભાજપમાં બી એલ સંતોષ દ્વારા કરવામાં આવી હતી. નવી સરકાર બાદ મંત્રીઓને પણ તેમની કામગીરી માટે અલગથી બેઠક પણ કરી હતી. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં બી એલ સતોષ પ્રવાસમાં સતત વધારો થયો છે. ત્યારે સરકારના 2 મંત્રીઓના પોર્ટફોલિયોમાં બદલાવ બાદ પણ બી એલ સંતોષ ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમ્યાન તેઓ સંગઠનના વિવિધ હોદ્દેદારો તથા મોરચાના પ્રમુખ સાથે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને અલગથી મળ્યા હતા. જેમને રાજ્ય કક્ષાનો મહેસુલ વિભાગનો હવાલો સોપાયો છે.
ગુજરાતમાં ભાજપની સરકાર ઝીરો ટોલરન્સથી કામ કરી રહી હોવાનો મેસેજ આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની મૃદુભાષી અને મક્કમ હોવાની છાપ મજબૂત થઈ છે. આ મુદ્દે પ્રજામાં તેમની છબી રજુ કરવામાં આવશે. મંત્રીઓની ભૂલ સાંખી લેવામાં નહિ આવે એ મેસેજ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓને આ મુદ્દે અવગત કરાવવામાં આવશે. તમામ નેતાઓ માટે પાર્ટી લાઈનમાં રહેવાનો આડકતરો ઈશારો આપવામાં આવ્યો છે. આના કારણે વિજય રૂપાણીની પૂર્વ સરકારના જે કોઈ પ્રધાનો પાર્ટી લાઈનની આગળ પાછળ થઈ રહ્યાં હોય તેમને પણ એક પ્રકારનો સંદેશ છે. ચૂંટણી સુધી અને ચૂંટણી બાદ પણ તમામ લોકો માટે સમાન નિયમનું પાલન કરાશે. તેમાં કોઈ ભેદભાવ નહી દાખવવામાં આવે. કોઈ પણ મંત્રીએ કે ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વની નજીક હોવાનો ભ્રમ ના રાખવો તેવો સંદેશ આપવાનો પ્રયાસ છે.