ગુજરાત 10 માર્ચ બાદ, રાજકીય (political) પ્રવૃત્તિઓનું એપિસેન્ટર (epicenter) બનશે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ ભાજપ (BJP) પોતાની તમામ શક્તિ ગુજરાત (Gujarat) માં લગાવી દેશે. ગુજરાતમાં પણ આ વર્ષના ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ માટે ગુજરાત એ હોમ સ્ટેટ ગણાય છે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહ્યું છે. ગુજરાતમાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લીમા ગયા છે. આ બન્નેએ, ભાજપને દેશમાં લોકચાહના અપાવી છે. અને કેન્દ્રમાં સતત બીજીવાર જંગી બહુમતીથી સત્તા અપાવી છે. ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 કરતા પણ ઓછી બેઠક મેળવી શક્યુ હતું. તેથી ગુજરાતમાં 2022માં યોજાનારી ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દેશે. આની શરૂઆત 11 માર્ચે પીએમ મોદીની અમદાવાદમાં ઉપસ્થિતિ અને RSSની અમદાવાદ ખાતેની બેઠકથી થઇ રહી હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 11 અને 12 માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં તેઓ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.
મોદી ગુજરાતમાં આવે એટલે ભાજપના તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ બમણો થઈ જતો હોય છે. ચૂંટણી નજીક આવી રહી હોવાથી કાર્યકર્તાઓને ચાર્જ કરવા જરૂરી છે. આ કામ માટે મોદીનો ગુજરાતનો એક પ્રવાસ જ કાફી છે. આ ઉપરાંત મોદી સપરંચ સંમેલનમાં હાજરી આપશે. આ રીતે તે રાજ્યના ગામેગામ સુધી એક જ જાટકે પોતાની વાત પહોંચાડી દેશે. આ ઉપરાંત ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ખેલ મહાકુંભ પણ રાજ્યના મોટા ભાગના લોકોને અસર કરે છે. કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહેલો આ કાર્યક્રમ ફરી શરૂ થતાં રાજ્યભરના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ઉત્સાહ છે, તેથી આ રીતે પણ લોકોને પોતાની તરફ કરવાની કોશિશ કરાશે.
11 માર્ચના રોજ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે પિરાણા ખાતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSSની ત્રણ દિવસિય પ્રતિનિધી સભા મળી રહી છે. આ બેઠકમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપમાં સંઘનું પ્રતિનિધિત્વ કરતા બી.એલ.સંતોષ એક સાથે જોવા મળશે.
RSSની બેઠકમાં ભાગ લેનારા બી.એલ.સંતોષે ગુજરાતમાં એન્ટિઈન્કમ્બસીને તોડવા છ મહિના પૂર્વે ભાજપની વિજય રૂપાણીની સરકારમાં તમામ ચહેરા બદલવાનું ઓપરેશન પાર ઉતાર્યુ હતુ. આગામી છ મહિના પછી ગુજરાતમાં ચૂંટણી છે. આ સંજોગોમાં સંતોષને ખાસ જવાબદારી આપવામાં આવે તેવી પણ સંભાવના છે.
ઉલ્લેખનીય છે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ગુજરાતમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના હતી. ગામેગામથી પાટીદારો દ્વારા ભાજપના નેતાઓને જાકારો મળી રહ્યો હતો ત્યારે લોકોમાં ભાજપ તરફી વલણ ઊભું કરવા દેશભરના ટોચના નેતાઓને કામે લગાડી દેવામાં આવ્યા હતા અને ભાજપને સત્તા બચાવી રાખવામાં સફળતા મળી હતી. આ વખતે પણ આ જ રીતે પ્રચાર કરીને ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જંગી બહુમતિ સાથે જીત મેળવવાની કોશશ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો
Published On - 3:09 pm, Sun, 6 March 22