Gandhinagar : કેન્દ્ર સરકારના ઓનલાઈન ગેમિંગ (Online Gaming) પર 28 ટકા જીએસટી સુધારા વિધેયકને ગુજરાતમાં લાગુ કરવા માટેનું ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પાસ કરાયું. ઓનલાઈન જુગાર પર 28 ટકા જીએસટી વાળા આ બિલનો કોંગ્રેસ-AAP ધારાસભ્યોએ ગાંધીના ગુજરાતમાં જુગારને અધિકૃત મંજૂરીના આક્ષેપ સાથે વિરોધ કર્યો.
કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલની 50 અને 51મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ-જુગાર પર જીએસટી 18 ટકાથી વધારી 28 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુધારા વિધેયક લાવી ઓનલાઈન ગેમિંગ-જુગાર પર 28 ટકા જીએસટી નિર્ધારિત કર્યો હતો. નિયમ મુજબ એ બિલ રાજ્યોમાં લાવવાનું હોય છે ત્યારે રાજ્ય સરકાર ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લઈને આવી હતી.
જેમાં ઓનલાઇન ગેમિંગ અથવા તો ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર ગેમ પૂરી પાડવી અને તેમાં બધી ઓનલાઈન ગેમિંગનો સમાવેશ થાય છે. તેમાં પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આમ, ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાબાજી, કેસીનો, જુગાર, ઘોડા દોડ, લોટરી અથવા તો ઓનલાઈન મની ગેમના માધ્યમથી અથવા તો તેના દ્વારા સમાવિષ્ટ દાવા પાત્ર હક્કમાં GST લાગુ કરવાનો સરકારનો હેતુ છે. બિલનો કોંગ્રેસ-AAP ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.
ઓનલાઈન જુગાર પર 28 ટકા જીએસટી લાવી એને અધિકૃત કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસ-AAPના સભ્યોએ જીએસટી સુધારા વિધેયકનો વિરોધ કર્યો હતો અને બિલ બહુમતી સાથે પાસ કરાયું હતું. બિલ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશમાં વન નેશન વન જુગાર કરવા માંગે છે એટલે કોંગ્રેસ ઓનલાઇન જુગારને જીએસટી હેઠળ લાવવાના વિધેયકનો વિરોધ કરે છે.
ભૂતકાળમાં લોટરી શરૂ કરાઇ ત્યારે પણ વિરોધ થયો હતો. જુગાર હમેશાં બરબાદ કરે છે તેને ક્યારેય મંજુરી આપી શકાય નહી. ઓનલાઇન જુગાર, ક્રિકેટ સટ્ટા, કેસીનો ઓનલાઇન ગેમીંગને 28 ટકા જીએસટી હેઠલ લાવી રાજ્ય સરકાર બુકીની ભુમિકા ભજવી રહી છે. આવક મેળવવા અન્ય કોઇપણ સ્રોતનો ઉપયોગ કરી શકાય પરંતુ જુગારનો નહી.
ઓનલાઈન જુગાર અને ગેમિંગ પર 28 ટકા જીએસટી સાથે વિદેશમાંથી ભારત દેશના લોકોને ઓનલાઈન મની ગેમિંગનો સપ્લાય કરનાર વ્યક્તિએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ પણ સુધારા બિલમાં રાખવામાં આવી છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે નાણાંમંત્રી કનુભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ ઓનલાઈન જુગારને મંજૂરી કે અધિકૃત કરવા માટે નહીં, પરંતુ એને નિયંત્રણમાં લાવવા માટે 18 ટકાથી વધારી જીએસટી 28 ટકા કરવામાં આવ્યું છે. આ બિલ બાદ રાજ્યમાં પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં નહીં આવે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:57 pm, Wed, 13 September 23