ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્યગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલ જીલ્લાના ઔધોગિક વિસ્તારની સાથે સાથે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે.તેઓને હવે તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહિ પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે.
વધુ વિગતોમાં મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલ જિલ્લામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગ કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, પંચમહાલ જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, ૨૦૨૦ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે.
હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે.હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.
આ પણ વાંચો : Gujarati Video : PSI કૌભાંડને લઇને ગૃહમાં હોબાળો, કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
Published On - 5:59 pm, Wed, 1 March 23