
ગાંધીનગર : ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં બિહાર ભાજપના સહ પ્રભારી તરીકે જવાબદારી સંભાળનારા સુનિલ ઓઝાનું નિધન થયુ છે. વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેમનું દિલ્હીમાં અવસાન થયુ છે. સુનીલ ઓઝા વારાણસી લોકસભા બેઠક પરની જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે છેલ્લા દસ વર્ષથી તેઓ વારાણસીમાં રહેતા હતા.
સુનીલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હીમાં અવસાન થયુ છે, ત્યારે ભાજપ બેડામાં અને સુનીલ ઓઝાના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 2012માં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તા મેળવવાનો પ્લાન બનાવ્યો, ત્યારે તેમણે સુનીલ ઓઝાને તેમની સાથે સામેલ કર્યા હતા.
સુનીલ ઓઝા ભાવનગરના બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ભાજપે માર્ચ મહીનામાં જ સુનીલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. સુનીલ ઓઝાને એક કુશળ સંગઠનકાર માનવામાં આવતા હતા. સુનીલ ઓઝા લગભગ છેલ્લા 30 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતાડવામાં સુનીલ ઓઝાનો ખૂબ જ મોટો રોલ હોવાનું માનવામાં આવે છે.
1998માં ભાવનગર દક્ષિણમાંથી પ્રથમ વખત જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. સુનિલ ઓઝા શરૂઆતમાં કેશુભાઈ પટેલના નજીકના ગણાતા હતા, જો કે વર્ષ 2002ની રાજકોટની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સાથે પણ તેમની નિકટતા વધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડી હતી. વજુભાઈ વાળાના સ્થાને તેઓ પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં આવ્યા, ત્યારે રાજકોટમાં તેમની ચૂંટણીના પ્રભારી સુનિલ ઓઝા હતા. ઓઝાએ પોતાની બુદ્ધિ અને મહેનતથી આ ચૂંટણીમાં વધુ સારી ચૂંટણી વ્યવસ્થા કરી હતી.
Published On - 9:59 am, Wed, 29 November 23