આષો નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રીમાં શક્તિપીઠના દર્શનનું વિશેષ મહત્વ છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાનું પાવાગઢ પણ છે. મહાકાળી માતાજીના આ યાત્રાધામમાં આષો નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી ભક્તો આવે છે. આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિ પણ ખીલેલી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ૧ લાખ ઉપરાંત દર્શનાર્થીઓ પાવાગઢ ખાતે માતાના દર્શને આવ્યા હતા.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ, ઓજત, ભાદર અને સરસ્વતી નદીના પાણી ઘેડ પંથક સુધી ફરી વળ્યા
આષો નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ ,રાજસ્થાન,અને મહારાષ્ટ્રમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ક્યાંક પગપાળા સંઘો ગરબા અને માતાજીની સ્તૃતિમાં મગ્ન બની સંગીત અને ડીજેના તાલે માતાના દરબાર સુધી પહોંચે છે. તો ક્યાંક માતાજીની ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક એવા ખાસ ભક્તો માતાજીના વેશ ધારણ કરીને આવતા જોવા મળે છે. ગુજરાત બહારના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવતા ભક્તો નવરાત્રીના એક દિવસ અગાઉ એટલે કે, અમાસના દિવસે પાવાગઢના દર્શને આવે છે. અને પોતાની સાથે એક નિજ મંદીરેથી જ્યોત પ્રગટાવીને પોતાના વતન સુધી લઈ જતા હોય છે. પ્રથમ નોરતે પોતાના વતન પહોંચી આ જ જ્યોતને અખંડ રાખી માતાજીના સ્વરૂપમાં સ્થાપના કર્યા બાદ નવ દિવસ આરાધના કરતા હોય છે. પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા સાથે પાવાગઢ ખાતે આવે છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં ઉંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવે છે. અને ધન્યતા અનુભવે છે.
પંચમહાલના હાલોલ નજીક આવેલા યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકી એક શક્તિપીઠ કહેવાય છે. એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રએ પણ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રશન્ન કર્યા હતા. વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ જ છે. વધુમાં હિન્દૂ ધર્મની સાથે સાથે અહીં જૈન અને મુસ્લિમ ધાર્મિક સ્થળો અને સ્થાપત્યો તથા 100 ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ્સ સાઇટ્સ પણ આવેલા છે. જેથી ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે. નવરાત્રી દરમિયાન 9 દિવસ માં અંદાજે 40 થી 50 લાખ ભક્તો દર્શનાર્થે આવે છે.
આષો નવરાત્રીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓને લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ડુંગર પર વાહનો દ્વારા તથા પગપાળા દર્શનાર્થે જતા ભક્તોને અડચણ રૂપ દબાણો દૂર કરી રસ્તા સમારકામ કરી બનાવવામાં આવ્યા છે. ત્યારે તમામ ભક્તો નવરાત્રીમાં માતા મહાકાળીના દર્શન કરી શુભ ફળ મેળવે તેવી શુભેચ્છા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
Published On - 1:36 pm, Sun, 29 September 19