મોંઘવારીમાં પણ ટુર બુકિંગ ફુલ, 3 લાખથી વધુ સુરતીઓ ફરવા જશે

|

Oct 27, 2021 | 4:52 PM

ગોવામાં પહેલા 3 હજારમાં જે હોટલ મળતી હતી તેનો ભાવ 6 હજાર રૂપિયા થઈ ગયો છે. ઉદયપુર અને કુંભલગઢમાં પહેલા જે ફાઈવસ્ટાર હોટલ 15 હજારમાં મળતી હતી તેનો ભાવ 32 હજાર રૂપિયા થઈ ગયો છે.

દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો જલ્દી કરી લેજો. કારણ કે તહેવારોમાં બુકિંગ ફુલ થવા લાગ્યા છે. બે વર્ષ કોરોનાના કારણે ઘરે બેસીને કંટાળેલા સુરતીઓ કોઈપણ ભોગે ટુર પર જવા આતુર છે. સુરતમાં પરિવાર સાથે ફરવા જવા માટે લોકો મોટી સંખ્યામાં બુકિંગ કરાવી રહ્યા છે. ટુર સંચાલકોનું કહેવું છે કે સુરતથી ગોવા, રાજસ્થાન અને દુબઈ માટે વધુ ઈન્કવાયરી આવી રહી છે. પણ આ વખતે ફ્લાઈટના ભાવ અને હોટલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે.

ગોવામાં પહેલા 3 હજારમાં જે હોટલ મળતી હતી તેનો ભાવ 6 હજાર રૂપિયા થઈ ગયો છે. ઉદયપુર અને કુંભલગઢમાં પહેલા જે ફાઈવસ્ટાર હોટલ 15 હજારમાં મળતી હતી તેનો ભાવ 32 હજાર રૂપિયા થઈ ગયો છે. જોકે હિમાચલ અને ઉત્તરાખંડમાં જે ભાવ દર ચાલતો હતો તેમાં કોઈ મોટો તફાવત નથી. ઉત્તરાખંડ, નૈનિતાલ, મસૂરીમાં હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. ફ્લાઈટની વાત કરીએ તો ગોવા માટે એક વ્યક્તિના 26 રૂપિયા છે. દિલ્લી જવા એક વ્યક્તિના 15 હજાર છે. વિદેશ ફરવા જવા દુબઈની ઈન્કવાયરી વધુ છે પણ દુબઈ જવા-આવવા માટે 5 વખત RT-PCR ટેસ્ટ કરાવવાનો થતો હોવાથી લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

ફ્લાઈટ અને હોટલના ભાવ ભલે ડબલ થઈ ગયા હોય પણ ફરવા જનારાઓને મોંઘવારી નથી નડતી. સુરતમાંથી ગયા વર્ષે 1થી 2 લાખ લોકો ફરવા માટે ગયા હતા. જ્યારે આ વર્ષે 3થી 4 લાખ લોકો ફરવા જઈ રહ્યા છે. ઘણા સ્થળો પર 6 તારીખથી લઈને 12 તારીખ સુધી બુકિંગ ફુલ થઈ ગયા છે. બે વર્ષ સુધી ઘરમાં બેસીને કંટાળેલા લોકો હવે બહાર ફરવા જવા માટે ખૂબ ઉત્સાહિત છે.

Published On - 4:51 pm, Wed, 27 October 21

Next Video