બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. મોહનથાળની જગ્યાએ ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. મંદિરમાં વહેંચવામાં આવતા પ્રસાદ બદલવાને લઇને મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો મળ્યા હતા. જે બાદ મંદિરના પ્રશાસન દ્રારા નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે.
ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સૂકા પ્રસાદ અંગે રજૂઆત અને મંતવ્યો મંદિરને મળ્યા હતા. જેથી મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્સ ચાલુ છે. જો કે અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યાત્રાધામ અંબાજી મંદિર પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી મા અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલી છે. અત્યાર સુધી આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકિંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા યાત્રિકો હોંસે હોંસે મા અંબાને ધરાવેલા મોહનથાળનો પ્રસાદ પોતાના સાથે વતને લઇ જતા હોય છે.
હાલના તબક્કે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે આદેશ આપી દેવામાં આવ્યો છે. હમણાં યાત્રિકોનો ધસારો પણ અંબાજી મંદિરમાં ઘણો છે. ત્યારે આજથી જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તોને ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અંબાજી મંદિરમાં અત્યાર સુધી વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ બની ગયો હતો. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હતા. મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયો હતો. બે દિવસ પહેલાથી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની હિલચાલ હતી. ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માગ પણ પ્રવર્તી હતી. જો કે મંદિર પ્રશાસન દ્વારા મંદિરનો પ્રસાદ બગડે નહીં, લોકો લાંબો સમય પ્રસાદ રાખી શકે અને વિદેશમાં પણ લોકો પ્રસાદ લઇ જઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published On - 2:31 pm, Fri, 3 March 23