ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) પણ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત કરી રહ્યા છે. આ જ ક્રમમાં આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરીથી ગુજરાત (Gujarat) પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી. કેજરીવાલે દ્વારકામાં ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે. રોજગારીની ગેરંટી આપી છે. ત્રીજી સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે, આ સંમેલનમાં મોટી સંખ્યામાં સરંપચ અને કાર્યકરો હાજર રહેશે.
કેજરીવાલ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન એક પછી એક મોટી જાહેરાતો કરી રહ્યા છે. 10 ઓગસ્ટના રોજ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલે વચન આપ્યું હતું કે રાજ્યમાં AAP સરકારની રચના થતાંની સાથે જ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલે પાંચમી ગેરંટી આપી હતી. અગાઉ કેજરીવાલે બેરોજગાર યુવાનોને નોકરી અને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની બાંયધરી આપી હતી. સાથે જ તેમણે મફત વીજળી આપવાની પણ જાહેરાત કરી હતી. મફત વીજળી આપવાની જાહેરાત બાદ હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
અરવિંદ કાકા મફત વીજળી આપવા કરતા,
મફત સોલાર પેનલ આપો..!!!
જરૂરિયાત હશે તેટલી વીજળી વાપરીશું…
વધારાની વીજળી સરકારને મફતમાં આપીશું..!!!
– એક ગુજરાતી
આ મેસેજમાં ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલને એક મોટી ઓફર આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મફતમાં વીજળી આપવા કરતા તમે મફતમાં સોલાર પેનલ આપો. તેમાંથી ઉત્પન થનારી વીજળીમાંથી જરૂરિયાત હશે તેટલી વીજળી વાપરીશું અને વધારાની વીજળી સરકારને મફતમાં આપીશું. આમ, સરકાર જનતાને મફ્ત વીજળી આપે કે ન આપે પરંતુ લોકો સરકારને મફત વીજળી આપશે.
ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દ્વારકામાં એનડીએચ હાઇસ્કૂલમાં જનસભા સંબોધન દરમિયાન રોજગારીની ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે 10 લાખ સરકારી નોકરી તૈયાર કરવાનું વચન આપ્યુ છે. એટલુ જ નહીં અરવિંદ કેજરીવાલે એક જ વર્ષમાં તમામ ભરતી કરવાની ગેરંટી આપી છે. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યા સુધી રોજગારી ભથ્થુ આપીશુ. ગુજરાતમાં પેપર ફુટવાની ઘટનાને લઇને તેમણે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યા હતા કે તમામ પેપર ફુટી જાય છે. જેથી પેપરલીકના આરોપીઓને જેલભેગા કરી દઇશુ. તેમણે કહ્યુ કે, 2015 બાદ જેટલા પેપરલીક થયા તમામ આરોપીને જેલ મોકલીશુ.
Published On - 8:03 pm, Fri, 2 September 22