Breaking News: પાટણ ક્લેકટર કચેરીનો નાયબ મામલતદાર 5 લાખ રુપિયાની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો

જમીન એનએ કરી આપવા માટે પાંચ લાખ રુપિયાની રકમની માંગણી નાયબ મામલતદારે કરી હતી. એસીબીએ નાયબ મામલતદાર અલ્પેશ ખેરને રંગેહાથ ઝડપી લીધો છે.

Breaking News: પાટણ ક્લેકટર કચેરીનો નાયબ મામલતદાર 5 લાખ રુપિયાની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયો
એસીબીએ છટકુ ગોઠવી ઝડપ્યો
| Updated on: Aug 26, 2023 | 8:21 PM

પાટણનો એક નાયબ મામલતદાર પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જમીનને બીનખેતી કરવા માટે થઈને અરજી કરી હતી. જેની પર કાર્યવાહી કરીને જમીન એનએ કરી આપવા માટે પાંચ લાખ રુપિયાની રકમની માંગણી નાયબ મામલતદારે કરી હતી. એસીબીએ નાયબ મામલતદાર અલ્પેશ ખેરને રંગેહાથ ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

જમીન ખરીદ્યા બાદ ફરિયાદીએ એનએ કરવા માટેની કાર્યવાહી કરી હતી. પરંતુ તેમનુ કાર્ય જાણે કે લાંચ વિના આગળ વધે જ નહીં એવી સ્થિતિ સર્જાઈ હોય એમ નાયબ મામલતદારે પાંચ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી. નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ આટલી મોટી રકમની લાંચની માંગણી કરતા હશે, તો તેમના ઉચ્ચ અધિકારીઓના આંકડા કેવા હશે એવા પણ સવાલો થવા લાગ્યા છે.

એસીબીએ છટકુ ગોઠવી ઝડપ્યો

આરોપી નાયબ મામલતદાર અલ્પેશ ખેરે ફરિયાદીની જમીન બિન ખેતી કરવા માટે પાંચ લાખની માંગણી કરી હતી. આ માંગણી કરેલ રકમ પહોંચાડવા માટે સ્થળ અને સમય આપ્યો હતો. આ માટે ફરિયાદીએ એસીબીને કરેલી ફરિયાદ મુજબ છટકાના આયોજન સાથે જ દર્શાવેલ સ્થળ પર પહોંચ્યો હતો. પાટણ શહેરમાં આવેલ જનતા હોસ્પિટલ પાસેની ધ જનતા મેડીકલ સ્ટોરમાં જઈને લાંચની રકમ અંગેની વાતચીત કરી હતી.

જ્યાં પહોંચીને ફરિયાદીએ મેડીકલ સ્ટોર્સમાં અલ્પેશ ખેરે સાથે લાંચ અંગેની વાતચીત કરી હતી. આરોપી નાયબ મામલતદાર અલ્પેશ ખેરે લાંચની રકમ અંગેની વિગતે વાત કરીને તેને રોકડમાં સ્વિકારી લીધી હતી. બીજી તરફ આવડી મોટી રકમની લાંચની ગંભીરતા મુજબ ચૂસ્ત આયોજન સાથે અલ્પેશ ખેરની આસપાસ સરકારી પંચો રુબરુ હાજર રાખવા સાથે જરુરી ઉપકરણો ગોઠવીને તમામ વિગતો સાથેના પૂરાવા ટ્રેપ દરમિયાન જ એકઠા કરી લીધા હતા.

ઘર સહિતના સ્થળે સર્ચ

એસીબીની અલગ અલગ ટીમ દ્વારા હવે નાયબ મામલતદારના ઘરે પણ સર્ચની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. લાંચના છટકાનુ સફળ આયોજન પાટણ એસીબી પોલીસ ઈન્સપેક્ટર એમજે ચૌધરીએ કર્યુ હતુ. અને હવે લાંચમાં કોનો કોનો હિસ્સો હતો અને જે અધિક ક્લેકટર કચેરી શાખામાં ફરજ બજાવે છે, ત્યાં અન્ય કોઈ અધિકારીઓનો હિસ્સો લાંચમાં હતો કે કેમ એ દીશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ માટે છટકા દરમિયાનની વાતચિત અને ધરપકડ બાદ શરુ કરેલ પૂછપરછ મહત્વની બની રહેશે.

 

આ પણ વાંચોઃ  Aravalli: શામળાજી હાઈવે પર કિન્નરોનો વિવાદ, અમદાવાદના વ્યંઢળે આવીને હુમલો કરતા પોલીસે તપાસ શરુ કરી

પાટણ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:49 pm, Sat, 26 August 23