ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગ(Dang) અને દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર- નર્મદા રિવર લિંકને(Tapi Par Narmada link) લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. જેમાં ડાંગ જિલ્લામાં શુક્રવારે વિરોધ રેલીનું(Rally) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ,તાપી ,વલસાડ અને ભરૂચના 25000થી વધુ આદિવાસીઓ રેલીમાં જોડાય તેવી શકયતા છે. આ ઉપરાંત સતત 8 દિવસ રાત્રી સભા યોજી લોકોને ડેમ વિરોધી રેલીમાં ભાગ લેવા અને ડાંગ બચાવો, ડેમ હટાવો કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરશે. આ અંગે આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી રેલીનું નેતૃત્વ કરશે. તેમજ સરકાર જ્યાં સુધી તાપી પાર નર્મદા રિવર લિંક યોજના રદ કર્યાની સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા આંદોલન સમિતિએ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના સળગતા પ્રશ્ન સમાન પાર-તાપી-નર્મદા લિંક મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનોએ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. તેમણે આ યોજનાને આદિવાસી સમાજના બહોળા હિતમા રદ કરવાની માંગ કરી હતી. જો કે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલી યોજનાને પડતી મુકવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવી પડશે. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક આગેવાનોને ખાતરી આપી હતી.
પાર-તાપી-નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા છે.લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટમાં રીવર લિંકીંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાત ના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, પાર-તાપી-નર્મદા લિંકીંગ પ્રોજેક્ટ ના વિરોધમાં લડવા માટે પચ્ચીસ સભ્યોની એક મહત્ત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી છે અને ગામેગામ વિરોધ કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે.
જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારે માસ્કને આવકનું સાધન બનાવ્યું, બે વર્ષમાં 249.10 કરોડથી વધુની રકમ વસુલી લીધી
આ પણ વાંચો : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક 11 માર્ચે અમદાવાદમાં યોજાશે