રાજ્યના હવામાનમાં શિયાળામાં પલટો આવ્યો છે અને વાદળાછાયા વાતાવરણ સાથે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. જેના પરિણામે ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં 12 , 13 અને 14 ડિસેમ્બરના રોજ ભાવનગરર, નવસારી તેમજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. ભરશિયાળે ડાંગમાં જાણે ચોમાસાએ જમાવટ કરી હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આવાવાઝોડાને પગલે ગુજરાતમાં આગામી 12 , 13 અને 14 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર, નવસારી, તાપી. ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે.
તો બદલાયેલા હવામાનને પગલે સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો હતો.