Gujarat Top News: વરસાદે ગુજરાતને ધમરોળ્યુ, અમદાવાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, બનાસ ડેરીએ પશુપાલકોને આપી મહત્વની સૂચના, જાણો ગુજરાતના મહત્વના સમાચાર

|

Jul 24, 2022 | 3:04 PM

Gujarat Top News : ગુજરાતમાં (Gujarat) આજનો દિવસ અનેક બનાવોથી ભરપુર રહ્યો છે. ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો લમ્પી વાયરસના પગલે બનાસ ડેરીની પશુપાલકોને ખાસ સૂચના આપી છે. તો લીંબડીમાં વીજલાઇનને અડી જતાં યુવકનું મોત થયુ છે.

Gujarat Top News: વરસાદે ગુજરાતને ધમરોળ્યુ, અમદાવાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, બનાસ ડેરીએ પશુપાલકોને આપી મહત્વની સૂચના, જાણો ગુજરાતના મહત્વના સમાચાર

Follow us on

ગુજરાત- અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર, ભાભર, દિયોદર અને સુઇગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. તો સાબરકાંઠા પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. બીજી તરફ મહેસાણામાં પણ કડી, બહુચરાજી, વડનગર અને જોટાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં મોટા પાયે પાણી ભરાતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો. અમદાવાદમાં પણ શનિવારે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાતભર ધીમી ધારે વરસતો રહ્યો. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો.

રાજકોટ- ધારાસભ્ય લલિત વસોયાએ પશુઓનું રસીકરણ કરવા માટે કરી માગ

રાજ્યભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ DDO અને પશુ કલ્યાણ મંત્રીને રજૂઆત કરી છે. ધોરાજી, ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓને લંપી વાયરસ સામે રક્ષણ આપતી રસી મૂકવા રજૂઆત કરી છે. પશુ કલ્યાણ મંત્રીએ લલિત વસોયાની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રસીકરણ કરવાની ખાતરી આપી છે. આ સાથે જ લલિત વસોયાએ દાવો કર્યો કે તંત્રની સજાગતાને કારણે ધોરાજી અને ઉપલેટામાં હાલ લંપી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

બનાસકાંઠા- લમ્પી વાયરસના પગલે બનાસ ડેરીની પશુપાલકોને ખાસ સૂચના

બનાસકાંઠામાં લમ્પી વાયરસનું સંકટ વધતા બનાસ ડેરીએ પશુપાલકો માટે સૂચના જાહેર કરી છે. બનાસ ડેરીએ પશુપાલકોને લમ્પી વાયરથી સંક્રમિત પશુનું દૂધ મંડળીમાં ન ભરાવવા સૂચના આપી છે. આ ઉપરાંત લમ્પીગ્રસ્ત પશુઓના દૂધનો ખાવામાં ઉપયોગ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરીના 16 સેન્ટર પર 155 વેટરનરી ડોક્ટરની ટીમ 24 કલાક પશુઓની સારવાર માટે ખડેપગે છે. બનાસકાંઠાના દિયોદર, થરાદ, વાવ, સુઇગામ, ભાભર અને ધાનેરા તાલુકામાં લમ્પીએ કહેર મચાવતા અનેક પશુઓ વાયરસથી સંક્રમિત થયા છે.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

સુરેન્દ્રનગર- વીજલાઇનને અડી જતાં યુવકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વીજલાઇનને અડી જતાં યુવકનું મોત થયુ છે. રેલવે સ્ટેશન પાસે આવેલાં શિવશક્તિ નગર વિસ્તારમાં વીજપોલ સાથે તાડપત્રી બાંધતી વખતે યુવકને કરંટ લાગ્યો હતો. જેના પગલે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. જે પછી મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ- નેશનલ હાઈ વે પર ઠેક-ઠેકાણે ખાડા પડતા હાલાકી

વરસાદના કારણે રાજ્યમાં અનેક વિસ્તારમાં ખાડા ધોવાયા છે. દાહોદથી ચિત્તોડગઢને જોડતા નેશનલ હાઈ વે પર ઠેક-ઠેકાણે ખાડાઓ જોવા મળે છે. લીમડી, ખુટનખેડા, ઝાલોદ ITI પાસે, ઠુઠી કંકાસીયા ચોકડી સહીત અનેક જગ્યાએ હાઈ વે પર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રિપેરીંગ કરેલા રોડ પર સામાન્ય વરસાદમાં જ ખાડા પડી જતા તંત્રના હલકી ગુણવતાના કામની પોલ છતી થઈ છે. તંત્ર દ્વારા ખેતરોની માટીથી ખાડાઓનું પુરાણ કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ રિપેરીંગ નહી કરવામાં આવે તો ટોલ નહી આપવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી આપી હતી.

અમદાવાદ- પિતાએ જ પુત્રની હત્યા કર્યાનો ખુલાસો

અમદાવાદના આંબાવાડી મર્ડર મિસ્ટ્રીનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. સગા બાપે જ દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બંને વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પિતા નિલેશ જોષીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. તેને અમદાવાદ લાવવા ટીમ રવાના થઈ ગઈ છે. પોલીસના દાવા પ્રમાણે, આરોપી નિલેશ જોષીનો 21 વર્ષીય દીકરો નશાના રવાડે ચડી ગયો હતો. નશા માટે તે સતત પિતા પાસેથી રૂપિયા માગતો હતો. જેથી પિતા-પુત્ર વચ્ચે સતત તકરાર ચાલતી હતી. ગત 18 તારીખે પણ તકરાર થઈ હતી. તે સમયે નિલેશ જોષીએ દીકરાના માથામાં દસ્તો મારતાં તેનું મોત થયું હતું.

હત્યા બાદ નિલેશ જોષી બજારમાંથી ગ્રાઈન્ડર કટર અને પોલિથીન બેગ લઈ આવ્યા હતા. તેમણે કટરથી દીકરાના મૃતદેહના ટુકડા કરીને તેના અંગો બેગમાં ભરી દીધા હતા. ત્યારબાદ તેને જુદા-જુદા સ્થળે ફેંકી આવ્યા હતા. તેમને હતું કે આમ કરવાથી કોઈને જાણ નહીં થાય અને તેઓ બચી જશે. પરંતુ તેમની આ કાળી કરતૂતનો હવે પર્દાફાશ થઈ ગયો છે.

સુરત- કતારગામમાં 5 વર્ષની બાળકીને માતા-પિતાએ માર માર્યો

સુરતના કતારગામમાં 5 વર્ષની બાળકીને માતા-પિતાએ માર માર્યો. સાવકા પિતાએ બાળકીને બચકા ભરીને બીડીના ડામ આપ્યા હતા. આ સમગ્ર મામલો ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન જતા સામે આવ્યો. કતારગામ પોલીસે ગુનો નોંધીને માતા-પિતાની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે માસૂમ બાળકીને ચિલ્ડ્રન હોમમાં રાખી છે.

વડોદરા- મહિલા શિક્ષિકાને લાફો મારનાર ભાજપના કાર્યકરની અટકાયત

વડોદરામાં ભાજપના કાર્યકરને મહિલા શિક્ષિકાને લાફો મારવો ભારે પડયો છે. તમાચો મારનાર ભાજપના કાર્યકર એઝાઝની સીટી પોલીસે અટકાયત કરી છે. સંવેદનશીલ યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર માથાભારે શખ્સ એઝાઝે મોપેડ લઈ પસાર થતી શિક્ષિકા પર હુમલો કર્યો હતો. મહિલાને મુક્કા મારી લાફા ઝીંકયા હતા. પોલીસે આરોપીને ઉઠકબેઠક કરાવી મહિલા પાસે માફી મગાવી હતી. આરોપી એઝાઝ મહિલા શિક્ષિકાને પગે પડી ગયો હતો.

ભાવનગર- બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના વાયરલ વીડિયો મામલે રિપોર્ટ રજૂ

ભાવનગરમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના વાયરલ વીડિયોનો મામલે TV9ના અહેવાલ અસર પડી છે. ટીવીનાઇનના અહેવાલો બાદ હવે ભાવનગર જિલ્લા ભાજપ હરકતમાં આવ્યું છે. ભાવનગર જિલ્લા પ્રમુખે ઘટનાનો લેખિતમાં રિપોર્ટ રજૂ કર્યો છે. વૈભવ જોષીનું જિલ્લા બુથ મેનેજમેન્ટ સંયોજક તરીકે રાજીનામું લેવાય તેવી શક્યતા છે. ભાજપના પ્રાથમિક સભ્ય પદ પરથી પણ વૈભવ જોષીનું રાજીનામું લેવાઇ શકે છે. સમગ્ર ઘટનાની તપાસ કરાવાય તેવી પણ શક્યતા છે. જિલ્લા ભાજપ પ્રદેશના રિપોર્ટના જવાબ બાદ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયોમાં વૈભવ જોષી બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો પાસેથી 50-50 હજાર રૂપિયા ઉઘરાવ્યાની વાત કરે છે. સાથે જ કુલ 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો દાવો કરે છે.

Next Article