Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી

દાહોદ (Dahod) વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

Dahod: કહેવાતા સ્માર્ટસિટીની વરવી હકીકત, સ્થાનિકોને મળે છે ગટરયુક્ત ડહોળુ પીવાનું પાણી
Symbolic Image
| Edited By: | Updated on: May 29, 2022 | 3:08 PM

વાત કરીએ કહેવાતા સ્માર્ટસિટી દાહોદની (Dahod) તો વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યાઓ સામે જ લોકો ઝઝૂમી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં નળ ચાલુ કરો તો કાળુ પાણી આવે છે. પીવાનું પાણી (Drinking water) ગટર જેવું ગંદુ આવે છે. દાહોદ શહેરના રૂસ્તમપુરાથી લઈને ભોઈવાડા વિસ્તારમાં પીવાનું પાણી દુર્ગંધયુક્ત ડહોળુ આવે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો વેચાતુ પાણી પીવા મજબૂર બન્યા છે. રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાનું પાણી દુર્ગંધ મારતું પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકાના (Dahod Corporation) સત્તાધીશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે. છતા હજુ પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી.

સ્માર્ટ સીટી દાહોદમાં દિન પ્રતિદિન વિકાસના કામોમાં હરણફાળ ગતિએ કામગીરી થઈ રહી છે પરંતુ ઘણા એવા વિસ્તારો છે ત્યા સુવિધાના નામે હાલ પણ મીંડુ છે. અહીંના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં નળમાંથી જે પાણી આવે છે તે પીવાલાયક પણ નથી અને વાપરવા લાયક પણ નથી. આ અંગે સત્તાધીશોને અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો.

દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી, પાણીની સમસ્યા વિગેરે જેવી અનેક સમસ્યાઓથી શહેરવાસીઓ હાલ પણ હેરાન પરેશાન છે, ત્યારે દાહોદ શહેરના રૂસ્તમપુરાથી માંડી ભોઈવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ મારતું પાણી તેમજ ડહોળુ પાણી આવતાં સ્થાનિકો પીવાના પાણી માટે ભારે વલખા મારી રહ્યાં છે. સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દાહોદ વોર્ડ નંબર 8 અને 9માં વારંવાર પાલિકાના સત્તાધિશોને આ મામલે રજુઆત પણ કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.