Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતમાં દેખાયો વાઘ, દાહોદમાં વાઘના દેખાવાની IFS અધિકારી સુસન્તા નંદાએ કરી પુષ્ટિ- જુઓ Video

ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો છે. ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની IFSના અધિકારી સુસન્તા નંદાએ એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. સાથે વાઘનો વીડિયો પણ તેમણે અપલોડ કર્યો છે. આ સાથે ગુજરાત સિંહ, વાઘ અને દીપડો ત્રણેય જંગલી પ્રાણી ધરાવતુ એકમાત્ર રાજ્ય બન્યુ છે.

Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતમાં દેખાયો વાઘ, દાહોદમાં વાઘના દેખાવાની IFS  અધિકારી સુસન્તા નંદાએ કરી પુષ્ટિ- જુઓ Video
| Updated on: May 22, 2025 | 3:39 PM

ગુજરાતમાં તાજેતરમાં સિંહોની વસતી ગણતરી સંપન્ન થઈ છે અને ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે. આ વખતે ગુજરાતમાં 891 સિંહો હોવાનું નોંધાયુ છે. આ સમાચાર વચ્ચે વન્ય જીવો માટે ગુજરાત જાણે અનુકૂળ બની રહ્યો હોય તેમ વધુ એક સારા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘનું પગેરુ મળ્યો છે. દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ અંગેની જાણકારી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે 32 વર્ષ પછી, ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. આ મોટી બિલાડીના પાછા ફરવાથી ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય બન્યું છે જ્યાં ત્રણેય મોટી બિલાડીઓ – વાઘ, સિંહ અને દીપડો છે. વન્ય જીવોની જો વાત કરીએ તો સિંહ, વાઘ અને દીપડો એ બિલ્લી કૂળનું, બિલ્લી પ્રજાતિના પ્રાણીઓ છે અને આથી તેમને મોટી બિલાડી પણ કહેવામાં આવે છે.

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) મુજબ, ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે 1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. આજ દિન સુધી ગુજરાતમાં એકપણ વાઘ હતો નહીં. ત્યારે આજે ફરી દાહોદ જિલ્લામાં વાઘનું ન માત્ર પગેરુ મળ્યુ છે પરંતુ વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે.

ગુજરાતમાં અગાઉ પણ ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ થતા રહ્યા છે. તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે.આજે દેખાયેલા વાઘના પુરાવાને જોતા કહી શકાય કે રાજ્યમાં ત્રણ મોટા વન્ય જીવો, જેમાં સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણ જંગલી પ્રાણી જોવા મળતુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:23 pm, Thu, 22 May 25