Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં તેજી અસર જોવામળી રહી છે.આજે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ જોરદાર વરસાદ વરસી શકે છે. વાવાઝોડું જ્યાં ટકરાયું છે તે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ રહશે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે. આ વચ્ચે પડકારજનક પરિસ્થિતિને ટાળવા અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગઈકાલથી શાળાઓમાં રજની જાહેરાત કરાઈ હતી. ભરૂચમાં નિર્ણય લેવામાં ખુબ લિબંબ કરાયો અને આજે શાળા ખુલવાના ગણતરીના સમય પહેલા ઘણી શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.
આજે સવારે શાળા શરૂ થતા પહેલા ભરૂચ જિલ્લાની ઘણી શાળાઓમાં રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ તંત્રએ આ નિર્ણય સ્થાનિક સ્તરે આચાર્ય ઉપર છોડ્યો હતો. ગઈકાલ સુધી ભરૂચમાં વાવાઝોડાની કોઈ ગંભીર અસર નજરે પડી ન હતી માટે મોટાભાગના આચાર્યએ રજા આપવાનો નિર્ણય લીધો ન હતો. આજે સવારે શાળા શરૂ થવાના સમય પહેલા અચાનક શાળાઓ તરફથી રજાની જાહેરાત કરવામાં આવી હતી. મોર્નિંગ સ્કૂલ સવારે 6.45 થી 7.30 સુધી શરૂ થતી હોય છે. મેસેજ સમયસર ન મળવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા પછી તેમને નિર્ણયની જાણ થઈ હતી.
શિક્ષણ વિભાગની નિર્ણય લેવાની ઢીલી નીતિ સામે વાલીઓ અને સ્કૂલવેન સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી. સવાર સુધી એક નિર્ણય પર ન આવવાના કારણે મૂંઝવણ ઉભી થઈ હતી. વાલી કિંજલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. વાવાઝોડા અંગેના અહેવાલોથી વાલીઓ પણ તણાવમાં છે ત્યારે સ્પષ્ટ નિર્ણય સમયસર લેવામાં આવે તે જરૂરી છે.