Cyclone Biparjoy Effects : અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના (Kutch) માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. આ દરમિયાન પવનની ગતિ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી. આ તોફાન સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ ચૂક્યું છે. જો કે આ દરમિયાન આ વાવાઝોડાએ ખૂબ જ તારાજી સર્જી છે. વાવાઝોડાને પગલે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. તો 524 વૃક્ષો ધરાશાયી થયા છે. 22 લોકોને ઇજા થઇ હોવાનું આવ્યું સામે આવ્યુ છે. હજી સુધી એકપણ જિલ્લામાં માનવ મૃત્યુ નોંધાયેલા નથી.
દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની દરિયાકાંઠે ભારે અસર જોવા મળી રહી છે. ભારે પવનથી 800 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. જિલ્લામાં 120થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. PGVCL અને ફાયર વિભાગની ટીમો સક્રિય બની છે. રસ્તા ખુલ્લા કરવા તથા વીજપોલ પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. આજે પણ સતત બીજા દિવસે જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે.
નલિયાથી ભુજના રસ્તે 200 વૃક્ષો ધરાશાયી થયા છે. ભુજ ટાઉનમાં 52 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા છે. કચ્છમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. લખપતમાં કોમ્યુનિકેશન નેટવર્ક ડાઉન થયુ છે. ત્યારે હવે સેટેલાઇટ ફોનથી તમામ સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. માંડ઼વીમાં ઝાડ પડવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઇ છે. વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. 2 વાગ્યાથી સતત કચ્છમા ભારે પવન સાથે વરસાદ છે. વાવાઝોડા વચ્ચે કચ્છના 10 તાલુકામા 655MM વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 191 વિજપોલ પડ્યા છે. તો 304 વૃક્ષ સમગ્ર કચ્છમાં પડ્યા છે.
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતત કામગીરી કરી રહ્યુ છે. રૂપેણ બંદરથી વધુ 72 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલા માધવપુર સમુદ્ર કિનારે શિવલિંગ ખંડીત થયુ છે. માધવપુર સમુદ્ર કિનારે બે દાયકા પહેલાં શિવલિંગની સ્થાપના કરાઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે. નડાબેટમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ડીસા-પાટણ હાઇવે પર તબાહી જોવા મળી રહી છે. હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:45 am, Fri, 16 June 23