ગીરસોમનાથ : સુત્રાપાડાના હરણાસા ગામે ગૌશાળામાં બનાવાયું કોવીડ કેર સેન્ટર

|

May 11, 2021 | 11:53 PM

સુત્રાપાડાના હરણાસા ગામમાં રહેતા લોકોને ગામડાનું જ શુદ્ધ અને સાત્વિક વાતાવરણ મળે તે ઉદ્દેશ્યથી આ ગામના યુવાનોએ ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે.

Covid Care Center in Gaushala : રાજ્ય અને દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. રાજ્યમાં 10 થી 11 હજાર આસપાસ નવા કેસો નોંધાઈ રહ્યા છે તો દેશમાં 3 લાખથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની આ બીજી લહેરમાં મહાનગરો અને નગરો સાથે હવે ગામડાઓમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ગામડાઓમાં હવે કોરોના સંક્રમણના નિયંત્રણ માટે સહિયારા પ્રયાસોથી કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ગામના લોકોને તાલુકા કે શહેર સુધી કોરનાની સારવાર માટે જવું ન પડે.

રાજ્યના ગામડાઓમાં કોવીડ કેર સેન્ટર બની રહ્યા છે અને સરકાર પણ “મારું ગામ કોરોના મૂક્ત ગામ”અભિયાન ચલાવી ગામડાઓમાં કોરોના નિયંત્રણ માટેના પ્રયાસો હાથ ધરી રહી છે.મહામારી કોરોનાએ તબીબી સારવાર માટે ગામડાઓને પણ સાવચેત કરી દીધા છે. આ જ કારણ છે કે હવે ગામાડાઓ પણ કોરોનાની આ મહામારી સામે લડવા સજ્જ બન્યા છે. આવું જ એક ગામ સોમનાથના સુત્રાપાડામાં આવેલું છે. જ્યાંના યુવાનોએ કોરોના દર્દીઓ માટે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.

સામાન્ય રીતે કોવીડ કેર સેન્ટર સારી એવી જગ્યાએ અને તમામ અદ્યતન સુવિધાઓથી યુક્ત હોય છે. પરંતુ આ કોરોનાના આ કપરાકાળમાં ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના યુવાનોએ કોરોનાના દર્દીઓ માટે ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર તૈયાર કર્યું છે.

સુત્રાપાડાના હરણાસા ગામમાં રહેતા લોકોને ગામડાનું જ શુદ્ધ અને સાત્વિક વાતાવરણ મળે તે ઉદ્દેશ્યથી આ ગામના યુવાનોએ ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું છે. શરૂઆતમાં આ કોવિડ કેર સેન્ટરમાં 14 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યાં તબીબો પણ અવિરત સેવા આપી રહ્યા છે.ગામડાના લોકોને શહેરમાં ન જવું પડે અને શુદ્ધ વાતાવરણમાં જ લોકોને કોરોનાની સારવાર મળે તેવા શુભ ઉદ્દેશ્યથી યુવાનોએ કરેલું આ ભગીરથ કાર્ય છે.. જેને લોકો પણ વખાણી રહ્યા છે.

કોરોનાની સારવારમાં આધુનિક સાધનો અને આધુનિક દવાઓ સાથે લોકો હવે પ્રાચીન ભારતની પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલી અને ચિકિત્સા પદ્ધતિ તરફ પણ વળ્યા છે.ગામડાઓ જેવા આંતરીયાળ વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો અભાવ હોય છે ત્યાં પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલી જ લોકોને કામમાં લાગે છે અને એ પણ તદ્દન નજીવા ખર્ચે. આધુનિકતાની દોડમાં મનુષ્ય પોતાના પરંપરાગત વારસા સાથે જોડાયેલો રહે એ પણ મહત્વનું છે, અને તેનું ઉદાહરણ છે સુત્રાપાડાના હરણાસા ગામમાં ગૌશાળામાં બનેલું આ કોવીડ કેર સેન્ટર.

Next Video