અમદાવાદ: દર્શલ રાવલ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસની વાત કરીએ તો નવા 3,575 કેસો નોંધાયા છે, જ્યારે 2,217 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે 22 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. જો અમદાવાદ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 804 કેસ નોંધાયા છે, જ્યારે 439 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં 621 કેસ, રાજકોટમાં 395 કેસ અને વડોદરામાં 351 કેસ નોંધાયા છે.
માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો
ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાના કેસોએ ગતિ પકડી છે. જેની સામે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો તેમજ ફેરફાર નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં હાઈટાઈમ વધારો નોંધાયો છે. આજે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર સાથે 42 નવા વિસ્તાર ઉમેરાયા છે. એટલે કે 288 માઈક્રો ઝોન હતા જેમાંથી 12 વિસ્તાર દૂર કરાયા છે. જ્યારે વધુ 42 વિસ્તારનો ઉમેરો થયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 318 પર પહોંચ્યો છે.
જેમાં નવા વિસ્તારમાં બોડકદેવના વેસ્ટેન્ડ પાર્કના 280 મકાન અને 1,000 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે નવરંગપુરાના નીલકંઠ એપાર્ટમેન્ટના 96 મકાન અને 380 લોકોનો સમાવેશ તો ઈન્દ્રપુરી વિસ્તારના જય ગુરુદેવ સોસાયટીના 45 મકાન અને 152 લોકોનો સમાવેશ થાય છે. તેમજ ઘાટલોડિયા, મણિનગર, ચાંદલોડિયાના સૌથી વધુ મકાન અને રહીશોનો સમાવેશ થાય છે.
IIMમાં કોરોનાના કેસમાં વધારો
શહેરમાં કોરોના સંક્રમણે માથું ઊંચક્યું છે. જ્યાં બીજી તરફ IIMમાં પણ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં IIMમાં કોરોનાનો આંકડો 125 પર પહોંચ્યો. 12 માર્ચ બાદ IIMમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. જે બાદ ટેસ્ટિંગ અને સર્વે પર ભાર મુક્યો હતો. જેમાં દરરોજ કેસ વધતા ગયા અને 12 માર્ચથી 6 એપ્રિલ સુધી 125 કેસ નોંધાયા છે. જેની અંદર વિદ્યાર્થી, પ્રોફેસર અને કર્મચારીઓને કોરોના થયો છે. સાથે જ વધતા કોરોનાને લઈને સતત ટેસ્ટિંગ અને સર્વેની AMC દ્વારા પ્રક્રિયા ચાલુ છે. જોકે કોરોના સંક્રમણ IIMમાં ક્યાંથી આવ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું. ત્યારે IIMમાં વધતું સંક્રમણ IIM અને AMCમાં ચિંતાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્ય પોલીસ વડાનો હુકમ, રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ
Published On - 8:32 pm, Wed, 7 April 21