ભરૂચની ઝાડેશ્વરમાં નર્મદા નદી કિનારે આવેલી રેસિડેન્સીયલ સર્વનમન વિધામંદિરમાં 2 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા હવે જિલ્લા શિક્ષણ આલમ અને વાલીઓમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલને સેનેટાઇઝ કરી 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ અંકલેશ્વરના મામલતદાર હાર્દિક બેલડીયા કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઓનલાઈનમાંથી ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યા બાદ ગુજરાતના મહાનગરોમાં શાળા તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવવાના બનાવો ચિંતાજનક શરૂ થઈ છે. એક તરફ નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો તો બીજી તરફ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવતા લોકોનો વધતોપ્રવાહ પણ કોરોનાનાં કેસોની સંખ્યામાં ટપોટપ વધારો કરી રહ્યો છે.
હવે ભરૂચ જિલ્લાની સ્કૂલમાં પણ કોરોનાએ દસ્તક આપી દીધી છે. ઝાડેશ્વર ખાતે આવેલી સર્વનમન વિધામંદિરમાં 2 બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રેસિડેન્સીયલ સ્કૂલમાં સાગમટે 2 વિધાર્થીઓ કોરોનાગ્રસ્ત બનતા જિલ્લા શિક્ષણ વિભાગ, વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સ્કૂલમાં 2 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી સ્કૂલનું સેનિટાઈઝેશન કરવા સાથે 15 દિવસ શાળા બંધ કરી દેવામાં આવી છે. જોકે અન્ય વિધાર્થીઓ અને સ્ટાફના કરાયેલા RTPCR રિપોર્ટ નેગેટિવ આવતા થોડી રાહત સાંપડી છે.
અન્ય એક બનાવમાં અંકલેશ્વરના મામલતદાર હાર્દિક બેલડીયા કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ગુરૂવારે 8 જયારે શુક્રવારે કોરોના 9 પોઝિટિવ કેસ આવ્યા બાદ કુલ એક્ટિવ કેસનો આંકડો 30 એ પોહચી ગયો છે. ત્યારે સરકારી તંત્ર, જનપ્રતિનિધિઓ અને પ્રજા જાગૃત થઈ જિલ્લાને ત્રીજી લહેરના ભરડામાં જતા અટકાવે તે જરૂરી બન્યું છે.
ભરૂચ જિલ્લામાં હાલ જાણે મેળાવડા અને ઉત્સવોની મોસમ જામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર, જનપ્રતિનિધિઓ અને જનતા કોરોના સંભવિત ખતરાની અનદેખી કરી રહી હોય તેવા દ્રશ્યો બહાર આવી રહ્યાં છે. સરકારી ગાઈડલાઈન જ નેવે મૂકી થતી ઉજવણી ભરૂચ જિલ્લાને ફરીથી મહામારીની મુસીબતમાં મૂકી શકે છે. ભાતિગળ મેળો તો બીજી તરફ હાલ ચાલતા નદી ઉત્સવની પૂર્ણાહુતિએ પણ તંત્ર અને લોકપ્રતિનિધિઓ પણ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગરમોટી સંખ્યામાં ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા.