ડાકોર રણછોડરાયજી મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ, પૂર્વ સેવકની બે દીકરીઓને પ્રવેશ ન અપાયો

|

Oct 02, 2021 | 3:36 PM

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદરી તરીકે પૂજા કરતો હતો, પરંતુ તેમના સંતાનમાં બે દીકરી હોવાથી પૂજા અંગે વિવાદ ઉઠ્યો,

ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ વકર્યો, રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરી સેવાપૂજા કરવા પહોંચી. જો કે મંદિર કમિટીએ સેવાપૂજાની પરવાનગી ન આપી. તો પૂર્વ સેવકની પુત્રીઓ ઈન્દિરાબેન અને ભગવતીબેને મંદિરની બહાર જ બેસી ગયા. ઈન્દિરાબેને આક્ષેપ કર્યો કે કોર્ટના ચુકાદા છતાં તેમને સેવા પૂજા કરતા રોકવામાં આવે છે. આ બહેનોએ મંદિરના ટ્રસ્ટીઓ ધમકાવતા હોવાનો પણ આરોપ કર્યો. લગ્ન બાદ પરગોત્રી થતા વંશપરંપરાગત પૂજાનો હક જતો રહે તેવી વાતને પણ બંને બહેનોએ નકારી કાઢી,

રણછોડરાયજી મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં ક્યારેય મહિલાઓને સેવાપૂજાની હજુ સુધી મંજૂરી મળી નથી, ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરે કહ્યું કે સેવકના પુત્રો જ પૂજા કરી શકે તેવું સ્પષ્ટ લખાણ છે, કોર્ટે પણ તેમની તરફેણમાં કોઈ ચુકાદો આપ્યો નથી, આ બહેનો સ્ત્રીઓના સમાન હકના નામે સૌને ગેરમાર્ગે દોરી રહ્યાં છે,

ડાકોર મંદિરમાં સેવાપૂજાની માગ કરનારા ઈન્દિરાબેનની વાત તેમના કૌટુંબિક ભાઈએ ફગાવી, બિરેનભાઈ સેવકે કહ્યું કે પૌરાણિક કરાર અનુસાર તેમની માગણી જરા પણ વ્યાજબી નથી,

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદરી તરીકે પૂજા કરતો હતો, પરંતુ તેમના સંતાનમાં બે દીકરી હોવાથી હક રદ્દ કરાયો, ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈઓ જ્યંતિલાલ અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટમાં કેસ કર્યો હતો. 2018ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં હોવાનો ઈન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે. જો કે બંને બહેનો કોર્ટનો કોઈ ચુકાદો ટેમ્પલ કમિટી સમક્ષ રજૂ કરી શકી નથી.

 

 

Published On - 12:32 pm, Sat, 2 October 21

Next Video