સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રવિવારે જૈન સમાજ દ્વારા બનાસ ટ્રોફીની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. મેચ રમવા માટે મેનેજમેન્ટ પાસે પહેલા પ્રેક્ષકો વગર મેચ રમવા લેખિતમાં માહિતી આપીને પરમીશન માંગવામાં આવી હતી. જોકે બાદમાં બાહેંધરી સાથે પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાવી અને પ્રેક્ષકો ભેગા કર્યા હતા. અને મેચ જીતી ગયાનો જશ્ન મનાવી જોરમાં નાચગાન સાથે ચિચિયારીઓ બોલાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આખરે ઉમરા પોલીસે ત્રણ આયોજકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ રવિવારે ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં જૈન સમાજ દ્વારા નવેમ્બર 2020માં બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની તમામ મેચો રમાઈ ગઈ હતી અને બાદમાં ફાઇનલ મેચ બાકી હતી.
ત્યારે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ જતા આખરે ફાઈનલ મેચ અટકાવવામાં આવી હતી. હાલમાં સુરત શહેર ફરીથી રાબેતા મુજબ ધમધમતું થયું છે. ત્યારે ફરી ફાઇનલ મેચ રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેનેજમેન્ટ પાસે તેમણે પરમિશન માંગી હતી.
મેનેજમેન્ટ દ્વારા પ્રેક્ષકો ભેગા નહીં કરવાની શરતે લેખિતમાં બાંહેધરી મેળવીને સ્ટેડિયમ ભાડે આપવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે રમાયેલી આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મોટી સંખ્યામાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા. મેચ બાદ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો જેમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો અને નીતિ નિયમોને નેવે મૂકીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. મેચ રમનાર ખેલાડીઓ તથા ટૂર્નામેન્ટના આયોજકો પૈકી કોઈ માસ્ક પહેર્યું નહોતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
આ વીડિયો વાયરલ થતાંની સાથે જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વીડિયોની ખરાઇ કરી આખરે ટુર્નામેન્ટનું આયોજન કરનાર ભાવેશ શાહ, સ્નેહલ ગાંધી અને જયેશ શાહ સામે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો? આ વ્યક્તિના કારણે આજે આપણને મળે છે રવિવારની રજા, જાણો અંગ્રેજોના સમયનો ઈતિહાસ
આ પણ વાંચો: સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ
Published On - 3:57 pm, Mon, 14 June 21