કોલસાની અછતને પગલે ઉદ્યોગોને અસર, પેપરમીલના ઉદ્યોગકારોમાં વધી ચિંતા

|

Oct 13, 2021 | 12:21 PM

કોલસાની કિંમત ઉંચી હોવાથી પેપરમિલોને પરવડે તેમ નથી. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ વાપીમાં કોલસાનો જથ્થો ન આવે તથા ભાવ ન ઘટે તો પેપરમિલો બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

દેશના વિવિધ રાજ્યોમાં કોલસાની ઉણપ વર્તાય રહી છે. જેની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યની સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે.

વાપી સહિત દેશના વિવિધ સ્થળોએ ઇન્ડોનેશિયામાંથી કોલસાની આયાત થાય છે, પરંતુ ચીનમાં વીજ કટોકટીના કારણે કોલસાની માગ વધી છે. આ સાથે કોલસાના ભાવોમાં ત્રણ ગણો વધારો થયો છે. ભાવ વધી જતાં ચારે તરફ કોલાસાની અછત વર્તાઇ રહી છે. વાપી જીઆઇડીસીમાં આવેલી 40 પેપરમિલોમાં પણ કોલસો ખૂટી રહ્યો છે.

કોલસાની કિંમત ઉંચી હોવાથી પેપરમિલોને પરવડે તેમ નથી. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ વાપીમાં કોલસાનો જથ્થો ન આવે તથા ભાવ ન ઘટે તો પેપરમિલો બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. વાપીના ઉદ્યોગપતિઓનું માનીએ કોલસાની અછતને કારણે ભાવ વધી રહ્યા છે. જેના કારણે પેપરમિલોને સીધી અસર થઇ રહી છે.

વાપી ઉદ્યોગોમાં અંદાજે દર મહિને ૬૦ હજાર મેટ્રિક ટન કોલસાની જરૂરિયાત રહે છે. ત્રણ મહિના અગાઉ કોલસાનો ભાવ ૫000 રૂપિયા પ્રતિ ટન હતો. તે ભાવ હવે વધીને ૧૪ હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. કોલસાના અસહ્ય ભાવ વધારાને કારણે ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિને કારણે વાપીના ઉદ્યોગોને અનેક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Video