માસિક ધર્મ (Menstruation)એ દરેક સ્ત્રીના શરીરમાં થનારી સામાન્ય પ્રકિયા છે અને પ્રકૃતિના નિયમનો એક ભાગ છે. તે શરમની વાત નથી પણ તેમાં જાગૃતતાની જરૂર છે. જે બાબતને ધ્યાન પર લઈ છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના અંતરિયાળ વિસ્તારની એક મહિલા આદીવાસી સમાજની મહિલાઑને વ્હારે આવી છે. ન માત્ર આ અંગે જાગૃતિ લાવવાનું પરંતુ મહિલાઓને રોજગારી અપાવવાનું કામ પણ આ મહિલાએ કર્યુ છે. આજે વિશ્વ મહિલા દિવસે (Internation Womens Day)અમે તમને આ મહિલાની સરાહનીય કામગીરી અંગે જણાવીશુ.
પેડ મેન ફિલ્મ તો ઘણા લોકોએ જોઈ હશે, પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલા રાધિકા રાઠવા હકીકતમાં પેડ વૂમન બની છે. દેશની કરોડો મા, બહેન , દીકરી, રજસ્વાલા સમય દરમિયાન ગરીબી તથા જાણકારીના અભાવે મુશ્કેલી મુકાય છે. ત્યારે છોટાઉદેપુરની રાધિકા રાઠવા આ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાની ગણના આદિવાસી અને પછાત વિસ્તારમાં થાય છે. ત્યારે અહીંના દુર્ગમ વિસ્તારમાં રહેતી કેટલીય કિશોરીઓ માસિક ધર્મની શરૂઆતમાં ખૂબ મુજવણ અને મુશ્કેલી અનુભવતી હોય છે. એક તરફ ગરીબી અને બીજી તરફ અજ્ઞાનતાને કારણે કપડાનો ઉપયોગ કરતી હોય છે. જે ખરેખર તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત ગણાય છે. ઘણી મહિલાઓ આ કારણે બીમારીમાં સપડાતી હોય છે. ત્યારે રાધિકા રાઠવાએ આ મહિલાઓ-કિશોરીઓમાં માસિક ધર્મ સમયે કપડાને ત્યજી પેડનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ ફેલાવવાની શરુઆત કરી છે.
રાધિકા રાઠવાના પિતા અમરસિંહ રાઠવા 1977થી 1989ના સમય ગાળા દરમિયાન ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચુક્યા છે. તેમણે છોટાઉદેપુરના આદીવાસી સમાજમાં જાગૃતિ આવે અને જીવન ધોરણમાં સુધારો આવે તેવા પ્રયાસો કર્યા હતા. જે બાદ રાધિકા રાઠવાને પણ વારસામાં સમાજ સેવા કરવાનો મોકો મળ્યો છે. રાધિકાના મનમાં પહેલીથી સમાજ સેવા કરવાનો એક જુસ્સો હતો. જેથી તેમણે મહિલા અને કિશોરીઓને માસિક સ્ત્રાવના સમયગાળામાં અનુભવાતા શરમ, ક્ષોભ અને મુશ્કેલીઓને દુર કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદ તેમણે અહીંની આદિવાસી મહિલાઓમાં પેડના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાની શરુઆત કરી.
રાધિકા રાઠવાએ અહીંની આદિવાસી મહિલાઓમાં ન માત્ર જાગૃતિ ફેલાવવાનું કામ કર્યુ, પરંતુ તેમને રોજગારી અપાવવાની પણ મુહિમ ઉપાડી. બજારમાં જે પેડ મળે છે તે મોંઘા હોવાથી અહીની આદિવાસી મહિલાઓને પરવડે તેમ નહતા. તેથી રાધિકા રાઠવાઓ ન નફો ન નુકસાનના ધોરણે ઘરે જ પેડ બનાવવાની શરુઆત કરી. આ કામમાં તેમણે ગામની જ મહિલાઓેને જોડી, જેથી આ મહિલાઓને રોજગારી પણ મળી રહે. આજે અનેક આદિવાસી મહિલાઓ પેડ બનાવવાની કામગીરીથી રોજગારી પણ મેળવી રહી છે.
પેડ બનાવી રોજગારી આપવાની સાથે રાધિકા રાઠવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડામાં મહિલાઑને સમજ આપવા જાય છે. સાથે જ સ્કૂલની કિશોરીઓ કે જેમને માસિક ધર્મની શરૂઆત થઈ હોય તેમને નિઃશુલ્ક પેડ પણ આપે છે અને કપડાં નહી વાપરવાની સલાહ આપે છે. આદિવાસી મહિલામાં જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કામ એક આદીવાસી મહિલાએ જ ઉપાડી લેતા તેના કામની પ્રશંસા થઇ રહી છે. વિશ્વ મહિલા દિવસે આવી સમાજમાં જાગૃતિ ફેલાવવાની ઇચ્છાશક્તિ ધરાવતી રાધિકા રાઠવાને સલામ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-