બિલાડી કુળના સિંહ અને વાઘનો એક માત્ર રાજ્ય ગુજરાતમાં કાયમી વસવાટ, વન વિભાગે કરી પુષ્ટિ, જુઓ Video

વિશ્વ વાઘ દિવસના અવસરે ગુજરાત માટે ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં છેલ્લા 17 મહિનાથી એક નર વાઘનો કાયમી વસવાટ નોંધાયો છે.

બિલાડી કુળના સિંહ અને વાઘનો એક માત્ર રાજ્ય ગુજરાતમાં કાયમી વસવાટ, વન વિભાગે કરી પુષ્ટિ, જુઓ Video
| Updated on: Jul 30, 2026 | 5:26 PM

વિશ્વ વાઘ દિવસના અવસરે ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે પુષ્ટિ કરી છે કે છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં છેલ્લા લગભગ 17 મહિનાથી એક નર વાઘનો કાયમી વસવાટ નોંધાયો છે. આ ઘટના ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે અને પર્યાવરણવિદો તેમજ વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

વાઘના આ કાયમી વસવાટ સાથે ગુજરાત દેશનું એવું અનોખું રાજ્ય બન્યું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ – ત્રણેય મહાન શિકારી પ્રાણીઓની હાજરી નોંધાઈ રહી છે. આનાથી ગુજરાતના પ્રાકૃતિક પરિવેશ અને જૈવવિવિધતાની શોભામાં અનેકગણો વધારો થયો છે. ગુજરાતના પ્રાકૃતિક વારસા માટે આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ઘટના છે.

છોટાઉદેપુરના કેવડી વિસ્તાર સહિત દાહોદની સરહદમાં વાઘની સમયાંતરે હિલચાલ જોવા મળે છે. અત્યાર સુધી છોટાઉદેપુરના જંગલોમાં દીપડા, રીંછ, જંગલી બિલાડી અને અન્ય વન્યજીવો જોવા મળતા હતા, પરંતુ હવે વાઘની હાજરીએ સમગ્ર વિસ્તારમાં નવી આશા અને ઉત્સાહ જગાવ્યો છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સ્થાનિક લોકોએ આ ઘટનાને હર્ષભેર વધાવી લીધી છે. તેમનું કહેવું છે કે તેઓ વર્ષોથી જંગલ અને વન્યજીવો સાથે સહઅસ્તિત્વમાં રહેતા આવ્યા છે અને હવે વાઘના આગમનને પણ ગૌરવની લાગણી સાથે જોઈ રહ્યા છે. તેમના માટે વન્ય પ્રાણીઓ તેમના પરિવારનો એક હિસ્સો સમાન છે.

વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ અને ગાઢ જંગલો વાઘના વસવાટ માટે અનુકૂળ બન્યા છે. વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર વન વિભાગ એલર્ટ મોડ પર છે. વન વિભાગ દ્વારા વાઘના સંરક્ષણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જંગલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, કેમેરા ટ્રેપ મોનિટરિંગ દ્વારા વાઘની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને વાઘ વિશે જાગૃત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેથી વાઘનું સંરક્ષણ પણ થાય અને માનવ-વન્યજીવ ઘર્ષણ ટાળી શકાય.

વન વિભાગ સ્ટાફની ટુકડીઓ દ્વારા વાઘના અવરજવરના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને તેને બચાવવા અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. વાઘના હેબિટાટ મેનેજમેન્ટ માટે પણ કામગીરી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વધુને વધુ પાણીના પોઈન્ટ્સ બનાવી તેમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

દાયકાઓ બાદ ગુજરાતમાં વાઘનો પુનઃવસવાટ એ વન્યજીવ સંરક્ષણ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. જો સંરક્ષણના આ પ્રયાસો સફળ રહેશે તો ભવિષ્યમાં ગુજરાતના જંગલોમાં વાઘની સંખ્યા વધવાની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે, જે ગુજરાતના વન્યજીવ લેન્ડસ્કેપમાં નવો અધ્યાય લખશે.

ઉંદરે કરી સોનાની ચોરી ! CCTVમાં કેદ થઈ અનોખી ઘટના, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.