
ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના વગુદન ગામમાં પીવાના પાણીનો ગંભીર સંકટ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોને પાણી માટે મધ્યપ્રદેશની સરહદ પાર કરવાની ફરજ પડી રહી છે. વિકાસના મોટા દાવાઓ અને સરકારી યોજનાઓ જેવી કે નળ સે જળ યોજનાના દાવાઓ વચ્ચે પણ આ અંતરિયાળ ગામના લોકોને પાણી જેવી જીવનજરૂરી વસ્તુ માટે ભારે સંઘર્ષ કરવો પડે છે.
વગુદન ગામમાં હેન્ડપંપ સુકાઈ ગયા છે અને પાણીના અન્ય કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નથી. પરિણામે, ગામલોકો, ખાસ કરીને મહિલાઓ, પાણી માટે એક જર્જરિત અને ઊંડા કૂવા પર નિર્ભર છે. આ કૂવામાંથી પાણી કાઢવું એ જીવનું જોખમ લેવા સમાન છે. મહિલાઓ કોઈ પણ સુરક્ષા વગર, વીજપોલનો આધાર લઈને કૂવામાંથી પાણી નીકાળવા મજબૂર છે. આ પ્રક્રિયામાં તેમને ચક્કર આવવા, થાકી જવું અને કૂવામાં પડી જવાની ભયાનક દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. એક ગ્રામીણ મહિલાએ જણાવ્યું કે, “એક ઘડો ભરતા જ ચક્કર આવી જાય છે અને પડી જવાય છે.”
પાણીની આટલી વિકટ પરિસ્થિતિને કારણે, વગુદન ગામના લોકો ઘણીવાર મધ્યપ્રદેશના સરહદી ગામ વકતગઢ જઈને પાણી લાવે છે. આના કારણે તેમનો કિંમતી સમય પાણી ભરવામાં વેડફાઈ જાય છે. મહિલાઓ માટે તો સવારથી બપોર સુધી પાણી ભરવામાં જ સમય પસાર થઈ જાય છે, જેના કારણે તેમને ઘરના અન્ય કામો કે ઢોરઢાંખરની સંભાળ રાખવા માટે સમય મળતો નથી. એક સ્થાનિક મહિલાના કહેવા મુજબ, “અમે બપોરના બાર વાગ્યા સુધી પાણી જ ભરીએ તો ખાવાનું ક્યારે બનાવીએ?”
ગામલોકો જણાવે છે કે, દિવાળીના તહેવારથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. પાણી માટે દૂર દૂર સુધી ભટકવાથી અને તડકામાં ચાલવાથી તાવ અને અન્ય બીમારીઓનો પણ ભય રહે છે.
આ સંકટ માત્ર વગુદન ગામ પૂરતું સીમિત નથી. નજીકનું રેણધા ગામ પણ આવી જ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગામલોકોની એક જ માંગ છે કે, સ્થાનિક વહીવટીતંત્ર, પાણી પુરવઠા વિભાગ અને જલ સે નલ યોજનાના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પગલાં ભરે. તેમની મુખ્ય માંગ છે કે ગામમાં બોર બનાવવામાં આવે અથવા કોઈપણ રીતે પાણીનો કાયમી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, જેથી તેમને પીવાના પાણી માટે જીવના જોખમે ભટકવું ન પડે.