દારૂબંધી અને વ્યસનમુક્તિથી સુખી બનેલું ગુજરાતનું આ ગામ, આદિવાસી ગામની પ્રેરણાદાયી ગાથા જાણી ચોંકી જશો

છોટાઉદેપુરના કવાંટ તાલુકાનું ભેખડીયા ગામ આજે વ્યસનમુક્તિની અનોખી મિસાલ બન્યું છે. 12 વર્ષ પહેલાં દારૂ સહિત તમામ પ્રકારના વ્યસનો સામે નિર્ણય લેવાયો હતો.

દારૂબંધી અને વ્યસનમુક્તિથી સુખી બનેલું ગુજરાતનું આ ગામ, આદિવાસી ગામની પ્રેરણાદાયી ગાથા જાણી ચોંકી જશો
| Updated on: Aug 29, 2026 | 4:45 PM

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું ભેખડીયા ગામ આજે સમગ્ર ગુજરાત અને દેશ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. જ્યાં વ્યસનોના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યાં ભેખડીયા ગામે 12 વર્ષ પહેલાં જ દારૂ સહિત તમામ પ્રકારના વ્યસન સામે ક્રાંતિકારી નિર્ણય લીધો હતો.

આશરે 1200ની વસ્તી ધરાવતું આ આદિવાસી ગામ એક સમયે દારૂના દુષ્ચક્રમાં ફસાયેલું હતું. લોકોની મહેનતની કમાણીનો મોટો ભાગ દારૂ પાછળ ખર્ચાઈ જતો હતો, જેના પરિણામે ઘર-ઘરમાં ઝઘડા અને કંકાસ થતા હતા. આ નશાના કારણે પરિવારોની આર્થિક અને સામાજિક સ્થિતિ કથળી રહી હતી.

પરંતુ, ગામના મોભીઓ અને વડીલોએ આ પરિસ્થિતિને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે સમગ્ર ગ્રામજનોને એકઠા કર્યા અને એક સીધો પણ અસરકારક સવાલ પૂછ્યો: “મહેનતની કમાણી નશામાં શા માટે વેડફવી?” આ સવાલે ગામ લોકોના હૃદયમાં ઊંડો પ્રભાવ પાડ્યો. સૌની સહમતી અને સામૂહિક ભાવના સાથે, દારૂ સહિત બીડી, સિગારેટ અને પાન-મસાલા જેવા તમામ પ્રકારના નશા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો અડગ નિર્ણય લેવાયો. આ નિર્ણય આજની તારીખે પણ કડકપણે અમલમાં છે, અને ગામ સંપૂર્ણપણે વ્યસનમુક્ત બન્યું છે.

વ્યસનમુક્તિના આ નિર્ણયની સૌથી મોટી અને સકારાત્મક અસર ગામની મહિલાઓના જીવનમાં જોવા મળી છે. પહેલાં દારૂના નશામાં થતા ઝઘડાઓ અને ઘરેલું હિંસાથી પરેશાન મહિલાઓ આજે તેમના પરિવાર સાથે શાંતિપૂર્ણ અને સુખી જીવન જીવી રહી છે. તેમને ઘરના સુમેળભર્યા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.

નશા પાછળ વેડફાતા પૈસા હવે પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બાળકોના શિક્ષણ, પોષણ અને પરિવારની અન્ય જરૂરિયાતો પાછળ આ પૈસા ખર્ચાઈ રહ્યા છે, જેનાથી ગ્રામજનોનું જીવનધોરણ પણ સુધર્યું છે. એક ગ્રામજનના જણાવ્યા મુજબ, લગ્ન પ્રસંગોમાં પણ બિનજરૂરી ખર્ચાઓ ઘટાડીને સાદગી અપનાવવામાં આવી છે. સિગારેટ, બીડી, તમાકુ, ફટાકડા અને ડીજે જેવા ખર્ચાઓ ટાળવાથી રૂ. 60-65 હજાર સુધીની બચત થાય છે.

ભેખડીયા ગામે સાબિત કરી બતાવ્યું છે કે વ્યસનમુક્તિ માટે માત્ર મોટા ભાષણો કે સરકારી યોજનાઓની નહીં, પરંતુ સમાજના સામૂહિક અને દ્રઢ નિર્ણયની જરૂર છે. આ નિર્ણય અને તેનું પાલન ગામને દિવ્ય ગામ તરીકે ઓળખ અપાવી રહ્યું છે, જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું વ્યસની નથી, પાન કે સિગારેટનો ઉપયોગ પણ કરતો નથી. ગામના લોકો મહેનત કરીને કમાય છે અને તે પૈસા પોતાના પરિવારના ગુજરાન તથા ઉન્નતિ માટે વાપરે છે. આથી જ કહી શકાય કે સંપ ત્યાં જંપ છે, આ ઉક્તિને ભેખડીયા ગામના લોકોએ સાર્થક કરી બતાવી છે.

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

Follow Us
Loading...
Unable to load recommendations.