
રાજકોટના ગોંડલમાં વાતાવરણ પલટાયું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.જેમાં ગોંડલ તાલુકાના પાટીયાળી, કોલીથડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. જેમાં ઘઉં, લસણ અને ડુંગળીના પાકને નુકસાન થયું છે. તેમજ એક જ મહિનામાં સતત પાંચમી વખત વરસાદ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
રાજ્યના ફરી ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ મુશ્કેલીભર્યા રહી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ મધ્યમથી હળવા વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5,6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચો : Gujarati Video: ઢોરના હુમલામાં વૃદ્ધાના મોત કેસમાં પરિવારે ફટકારી નોટિસ, રૂપિયા 25 લાખનું વળતર ચૂકવવા કરી માગ
ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ અને જામનગરમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ માવઠું પડી શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા અને તાપી સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે.
તો આ તરફ બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.
Published On - 5:13 pm, Tue, 4 April 23