બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાંચ ગુજરાતમાં આવી ચુકી છે. ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો ગઈકાલે ગુરુવારે કબજો લીધો હતો અને આજે પોલીસ અમદાવાદ પહોંચી ચુકી છે. મહત્વનું છે કે 36 કલાકની મુસાફરી કરી ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ અમદાવાદ પહોંચી છે.
મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લઇ તેને ગુજરાત લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુકાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવનાર કિરણ પટેલ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચુક્યો હોવાના કિસ્સાઓ એક બાદ એક સૅમ આવી રહ્યા છે. આ મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યો છે.
ઠગ કિરણ પટેલને ક્રાઇમ બ્રાંચથી મેડિકલ ચેકઅપ માટે વી.એસ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું સંપૂર્ણ મેડિકલ અને કોવિડ ટેસ્ટ પણ કરાવવમાં આવ્યો છે. જોકે અત્યાર સુધી PMO ઓફિસર તરીકે ઓળખ આપી રોફ જમાવતો કિરણ પટેલ મોઢું નીચું રાખી ચાલતો જોવા મળ્યો હતો.
Breaking News: મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ#KiranPatel #ConmentKiranPatel #AhmedabadCrimeBranch https://t.co/nVHvEe6JQV
— Tv9 Gujarati (@tv9gujarati) April 7, 2023
જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવ્યો છે. વધુમાં સિંધુભવન રોડ પરનો બંગલો પચાવી પાડવા ષડયંત્ર રચ્યું હોવાની વાત પણ સામે આવી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચએ કિરણ પટેલ ની પત્ની માલીની પણ ધરપકડ કરી હતી.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો અને ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડ પહોંચી ગયો હતો. પરંતુ તેનું કારનામું બહાર આવ્યા બાદ ગુજરાતમાં પણ તેના એક પછી એક એમ અનેક કૌભાંડ બહાર આવ્યા છે. પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો. કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી. ઠગ કિરણ પટેલની ગુજરાતમાં સખત પૂછપરછ પણ કરાશે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે. હાલ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જે બાદ આગળ શું પગલાં લેવાશે તે હવે જોવું રહ્યું.
Published On - 6:15 am, Sat, 8 April 23