માનહાની કેસમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દોષિત જાહેર થયા છે. IPCની કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા છે. 10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
માનહાની કેસમાં રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે રજૂઆત કરી હતી કે, મારા નિવેદનથી કોઇને નુકસાન નથી થયું. કોઇને અપમાનિત કરવાનો મારો ઇરાદો ન હતો. હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું અને મારો ઇરાદો જરાય ખોટો નહોતો.
જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકાર્યા હતા. અપમાનજનક ભાષા અને જાણી જોઇને કરવામાં આવતુ અપમાન હેઠળ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. જે હેઠળ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો 2 વર્ષની સજા સાથે દંડની જોગવાઈ છે.
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને કોર્ટે સંભળાવેલી સજાને આવકારી છે.
Published On - 11:04 am, Thu, 23 March 23