Breaking News : અંબાજી ભાદરવી પૂનમના મેળાના દર્શને પહોંચ્યાં DyCM હર્ષ સંઘવી, ચઢાવી ધજા,જુઓ Video
પવિત્ર ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. DyCM હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને મંદિરે પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. પવિત્ર ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. DyCM હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને મંદિરે પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરથી લઈને સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કોઈ ભક્ત માનતા પૂર્ણ થતાં મા અંબાના દર્શને પહોંચ્યો હતો, તો કોઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા અંબાજી આવ્યો હતો.
40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3.72 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જ્યારે મેળાના છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. એક અંદાજ મુજબ મહામેળા દરમિયાન કુલ 42થી 45 લાખ ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે.
DyCM હર્ષ સંઘવીએ ચડાવી ધજા
ભાદરવી પૂનમના દિવસે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. સંઘવીએ મેળા દરમિયાન પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સુરક્ષા અને વહીવટી તંત્રની વ્યવસ્થાને કારણે માઈભક્તોને કોઈ મુશ્કેલી પડી નથી.
આ સાથે સંઘવીએ પોલીસ વિભાગના અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે પોલીસનો ગુનેગારોમાં હાઉ ઊભો થાય તે રીતે કામગીરી કરવા તેમજ સમાજ માટે મિત્ર અને માર્ગદર્શક બનીને સેવા આપવા આહવાન કર્યું હતું.
ભંડાર કાઉન્ટર પર લાખોની આવક
મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી ₹29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક ₹1,83,10,515 થઈ છે. આ આંકડાઓ મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની હાજરી અને પ્રસાદ વ્યવસ્થાનો વ્યાપ દર્શાવે છે.
28.90 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ
મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસ દરમિયાન કુલ 28.90 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ થયું છે. આ ઉપરાંત અત્યાર સુધી 3,927 ભક્તો અને સંઘોએ ધજા ચડાવી મા અંબાની ભક્તિ કરી છે. ભાદરવી પૂનમના અંતિમ દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા. જય અંબેના જયઘોષથી સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું.
