Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. તો વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2023
તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 8 જિલ્લાઓના 25 તાલુકાઓના સમુદ્રાથી પાંચથી 10 કિલોમીટરમાં વસેલા 441 ગામોની અંદાજે 16 લાખ 76 હજાર જનસંખ્યાને આ વાવાઝોડાને પરિણામે સંભવિત વરસાદ, તીવ્ર પવન, દરિયાઈ મોજાંની સ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.
સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે.
હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી 14 અને 15 જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. આ સંદર્ભમાં વરસાદને કારણે લોકોને અને પશુઓને કોઇ જાનહાનિ કે મોટું નુકસાન ન થાય તે માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
માર્ગ-મકાન વિભાગે 95 ટીમો બનાવીને મંગળવાર બપોર સુધીમાં આ જિલ્લાઓમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે 577 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના 6950 ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRF તથા SDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:20 am, Tue, 13 June 23