
Surat : સુરત ઉર્જાવિભાગ ડમીકાંડમાં(Damikand) ક્રાઇમ બ્રાન્ચે 5 મહિલા કર્મચારી સહીત 11 કર્મચારીઓની ધરપકડ કરી છે. રાજ્યની જુદી જુદી વીજકંપની માટે વિદ્યુત સહાયકની નિમણૂક માટે ઓનલાઇન લેવાયેલી પરીક્ષામાં ડમીકાંડ નો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે ખોટી રીતે પરીક્ષા પાસ કરી નોકરી મેળવાનારા 5 મહિલા કર્મચારી સહીત કુલ 11 કર્મચારીઓની ધરપકડ કરી છે.
“ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL, UGVCL, તથા GSECL માં કુલ-૨૧૫૬ વિદ્યુત સહાયક ( જુનીયરઆસીસ્ટન્ટ) ની ભરતી પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં લેવાઈ હતી જે પરીક્ષા તા.09 /12/2020 થી તા.06 /01/2021 દરમ્યાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવી હતી.
આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટોએ રીંગ બનાવી આર્થિક લાભ મેળવી ખોટી રીતે ઉમેદવારોને પાસ કરાવ્યા હતા. સ્ક્રીન શેરિંગ થકી ડમી પાસે જવાબ લખાવી ઉમેદવારોને પરીક્ષા કરાવી હતી.
7 થી 10 લાખ રૂપિયા ચૂકવી ખોટી રીતે ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા પાસ કરી હતી. આ રીતે વીજ કંપનીઓ સાથે તેમજ લાયક હોવા છતાં નોકરી મેળવવામાં વંચિત રહેલા લાયક ઉમેદવારો સાથે ઠગાઇ કરનારા કર્મચારીઓ પોલીસ તપાસમાં આવરી લેવાયા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન ડમીકાંડના આ ગુનામાં અગાઉ ક્લાસ સંચાલકો, મુખ્ય એજન્ટો સહિત કુલ- 17 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં છે ત્યાં સુરત શહેર ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં ગેરરીતિથી પાસ થયેલ ઉમેદવાર/કર્મચારીઓને શોધવા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં તેઓના રહેઠાણ, સંભવીત ઠેકાણા તથા નોકરીના સ્થળોએ તપાસ કરતા વધું 11 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
Published On - 7:19 pm, Tue, 25 July 23