Salangpur Temple Controversy : સાળંગપુર (Salangpur) હનુમાનજીના ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. જેનો આખરે અંત આવ્યો છે. આજે CM સાથે મળેલી બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સ્વામીનારાયણ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે આવતીકાલ સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે.
સાળંગપુર મંદિરમાં ભીંતચિત્ર વિવાદ મુદ્દે આખરે સુખદ સમાધાન સામે આવ્યું છે. આવતીકાલ સવાર સુધીમાં ભીંતચિત્રો દૂર કરવાની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયે ભીંતચિત્રો વિવાદ મામલે કહ્યું કે સંપ્રદાય કોઈ સમાજની લાગણીઓ દુભાવવા ઈચ્છતો નથી. આવતીકાલ સૂર્યોદય પહેલા સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો હટાવી લેવાશે. તો ભીંતચિત્રો સિવાયના મુદ્દાઓ માટે બેઠક કરવાનું પણ જણાવ્યું હતું. તો વધુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વિવાદાસ્પદ વાણી-વિલાસ ન કરવા આદેશ અપાયો છે. તેમજ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરવા અપીલ કરી છે.
આ પૂર્વે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મળેલી બેઠક હકારાત્મક રહી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે અને સનાતન ધર્મની લાગણી ન દુભાય એવો નિર્ણય લેવાશે તેવી બાંહેધરી આપી હતી. ડૉ. વલ્લભ સ્વામીની આગેવાનીમાં CM સાથેની બેઠક બાદ ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવ્યો છે અને આવતીકાલ સવાર સુધીમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Published On - 8:04 pm, Mon, 4 September 23